- એલસીબીની ટીમે જુગાર અંગે રેડ પાડતા મામલો હાઇકોર્ટ પહોંચ્યો હતો
જુગારની મોજ માણનાર શખ્સોની સંખ્યાને કારણે સુરેન્દ્રનગર જિલ્લો જાણીતો છે ત્યારે પોલીસે જુગાર અંગે પાડેલી રેડ ખોટી હોવા અંગે હાઇકોર્ટમાં પિટિશન દાખલ કરવામાં આવી હતી જે ચાલી જતાં હાઇકોર્ટે સુરેન્દ્રનગર એલસીબી પોલીસની કાર્યવાહીને યોગ્ય ગણાવી રિટ પિટિશન રદ કરવાનો હુકમ આપ્યો હતો.
સુરેન્દ્રનગર શહેરની સાથે જિલ્લામાં પોલીસની નજરથી બચીને છાના ખૂણે જુગારધામ ધમધમતા હોય છે. પોલીસની ધોચ વધતા જુગારીઓ નીતનવા અખતરા કરતા હોય છે. દરમિયાન તા. ૧૧ નવેમ્બરના રોજ સુરેન્દ્રનગર એલસીબી સ્ટાફે બૂટભવાની કોમ્પ્લેક્ષમાં જુગાર અંગે દરોડો પાડ્યો હતો. જ્યાંથી કુલ R ૮૨,૩૦૦ની મત્તા સાથે જુગાર રમતા ૨૬ આરોપીઓને રંગે હાથે ઝડપી લીધા હતાં.
પકડાયેલા શખ્સો વિરૂદ્ધ સુરેન્દ્રનગર સિટી પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો હતો. ત્યારબાદ પોલીસે ખોટી રીતે રેડ પાડી હોવાની રાવ સાથે હાઇકોર્ટમાં પિટિશન દાખલ કરવામાં આવી હતી.જેમાં કપિુ જીમખાના પ્રા.લી. નામના જીમખાનાના પેપરો રજુ કરી સમગ્ર બનાવ જુગારનો ન હોવાનું જણાવી એલસીબીની ટીમે ખોટી રીતે દરોડો પાડ્યો હોવાની વિગતો રજુ કરી હતી.
આ પિટિશનની કાર્યવાહી માટે એલસીબીને હાઇકોર્ટનું તેડું આવ્યું હતું. પિટિશનની કાર્યવાહી દરમિયાન વકીલ એલ.એમ.ઝાલા અને દિપેન દવેએ દલીલો રજુ કરી હતી. જેમાં જસ્ટીસ અનંત દવેએ તમામ વિગતો તથા દરોડા દરમિયાન પકડાયેલા શખ્સો પૈકી કેટલાક આરોપીઓ વિરૂદ્ધ અગાઉ પણ જુગારના કેસ નોંધાયા હોવાની બાબતની હાઇકોર્ટે ગંભીર નોંધ લીધી હતી.
આ તમામ વિગતોને ધ્યાને લઇને હાઇકોર્ટે એલસીબી પોલીસે કરેલી કાર્યવાહીને કાયદેસરની ગણાવી કીપુ જીમખાના પ્રા.લી.ની રિટ પિટિશન રદ કરી દીધી હતી.