Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Saurashtra >> Latest News >> Bhavnagar City
 

ભાવનગરમાં ભાદરવાના આરંભે અનરાધાર વર્ષા

 
Source: Bhaskar News, Bhavnagar   |   Last Updated 1:12 AM [IST](10/09/2010)
 
 
 
 
 
ભાવનગર અને વલભીપુરમાં સાંબેલાધારે ખાબકેલો પાંચ-પાંચ ઈંચ વરસાદ

ઘોઘામાં ચાર, બોટાદ, સિહોર, ઉમરાળા અને ગઢડામાં બેથી અઢી ઈંચ વરસાદ ખાબક્યો

ભાવનગર શહેર-જિલ્લામાં ભાદરવાના આરંભે જ અનરાધાર વરસાદ વરસતા સમગ્ર ગોહિલવાડમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. ભાવનગર જિલ્લામાં અડધા ઈંચથી પાંચ ઈંચ સુધીના ધોધમાર વરસાદથી સર્વત્ર ઠંડક પ્રસરી વળી છે. ગઈ કાલે મોડી રાત્રિથી સમગ્ર ગોહિલવાડ પંથકમાં શરૂ થયેલા વરસાદથી જિલ્લાનો વાર્ષિક વરસાદ ૧૦૦ ટકાથી વધુ થઈ ગયો છે. જિલ્લામાં વાર્ષિક સરેરાશ ૬૩૮ મીમીની સામે ૬૬૭ મીમી વરસાદ વરસદા ૧૦૪ ટકાથી વધુ વરસાદ ભાદરવાના આરંભે જ થઈ ગયો છે.

ભાવનગર શહેર-જિલ્લામાં શ્રાવણની અંતિમ રાત અને આજથી ભાદરવાના આરંભે છેલ્લા ૨૪ કલાકથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ચોતરફ અષાઢી મેઘમાહોલ જામી ગયો છે અને વાદળો મન મુકીને એકધારા વરસી જતાં પંથકમાં ટાઢોડું થઈ ગયું છે. આજે ભાવનગર શહેરમાં ગઈકાલ રાતથી ધીમી ધારે વરસાદ વરસવો શરૂ થયો હતો અને આખી રાત શરૂ રહ્યાં બાદ સવાર સુધીમાં તો ચોતરફ વર્ષાનો માહોલ જામી ગયો હતો. બાદમાં સવારથી બપોર સુધીમાં ૬૪ મીમી અને બીજા બે કલાકમાં વધુ ૨૮ મીમી વરસાદ વરસી જતાં કુલ ૯૨ મીમી વરસાદ વરસી ગયો હતો.

આજે ભારે વરસાદથી ભાવનગર શહેરમાં જનજીવન સવારથી બપોર સુધી લગભગ ઠપ્પ થઈ ગયું હતું. ભાવનગર શહેરમાં આજે સવારથી ભારે વરસાદને લીધે મોટા ભાગની શિક્ષણ સંસ્થાઓમાં રજા રાખી દેવામાં આવી હતી. કેટલીક સ્કૂલ રીક્ષાઓ તો છેક શાળાએ પહોંચ્યા બાદ પરત ફરી હતી. આજે રજા પડતા ત્રણ દિવસની રજા ચાર દિવસના મિની વેકેશનમાં બદલાઈ જતાં બાળકોને મજા પડી ગઈ હતી.

આજના ભારે વરસાદથી શહેરના નીચાણવાળા વિસ્તારોમાં કેડ સમાણા પાણી ભરાઈ ગયા હતા. તો કેટલાક સ્થળોએ તો ઘરમાં પાણી ઘૂસી ગયા હતાં. કુંભારવાડા, ખેડૂતવાસ, રેલવે સ્ટેશન વિસ્તાર, બોરડીગેઈટ, પ્રભુદાસ તળાવ, ક.પરા સહિતના વિસ્તારોમાં આજે ઠેર-ઠેર ગોઠણથી ઉપર સુધી પાણી ભરાઈ જતાં નગરજનોએ એકબીજાની મદદે આવવું પડ્યું હતું.
ભાવનગર શહેરમાં ગત રાત્રિ દરમિયાન એક અને દિવસ દરમિયાન ચાર ઈંચ મળી કુલ પાંચ ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. જેથી ભાવનગર શહેરનો સિઝનો કુલ વરસાદ ૮૫૫ મીમીને આંબી ગયો છે. જે સમગ્ર જિલ્લામાં પ્રથમ ક્રમે છે.

ઘોઘામાં પણ આજે મેઘો મહેરબાન થઈ વરસ્યો હતો. આજે ચાર ઈંચ વરસાદ વરસી જતાં આ ગામમાં ઠેર-ઠેર જળબંબાકાર જેવા દ્રશ્યો સર્જાયા હતા. આજના ૯૫ મીમી વરસાદથી ઘોઘામાં સિઝનનો કુલ વરસાદ ૫૧૨ મીમીને આંબી ગયો છે.

વલભીપુર શહેર અને તાલુકામાં વ્યાપક પણે હળવાથી લઇ ભારે પ્રમાણમાં વરસાદ થતાં આનંદની લહેર છવાઇ છે. ગઇ મધરાતથી ઝરમર ઝરમર શરૂ થયેલા મેઘ રાજાએ સવારથી ઘટાટોપ વાદળો સાથે વરસાદી વાતાવરણની જમાવટ હતી. સવારનાં ધીમીધારે વરસતા વરસાદે બપોરે ૧૨ કલાકે ધીંગીધારે ધોધમાર રીતે શરૂ થતાં શહેરમાં જળબંબાકાર સર્જાયુ હતું. અને નિચાણ વાળા વિસ્તારો જેવા કે, ટાવર ચોક, બારપરા, ઘાંચી શેરી, જી.ઇ.બી. કચેરી, હાઇવે ઉપર પાણી ભરાયા હતાં. અને બે કલાક અઢી ઇંચ વરસાદ ખાબકી જતાં સાંજના ચાર વાગ્યા સુધીમાં ૧૧૬ મી.મી. એટલેકે પોણા પાંચ ઇંચ નોંધાયો છે. વલભીપુરમાં મૌસમનો કુલ વરસાદ ૭૨૨ મી.મી.નોંધાયેલ છે.

ઉમરાળા તાલુકામાં પણ સવારજ વરસાદી વાતાવરણ વચ્ચે શરૂ થયેલ હતું. ધીમે ધીમે પ્રારંભ થયેલ વરસાદે સારા પ્રમાણમાં વરસાદ પડી જતાં સાંજના ચાર વાગ્યા સુધીમાં ૫૩ મી.મી. નોંધાયો છે. અને મૌસમનો કુલ વરસાદ ૫૯૨મી.મી. થયેલ છે.
મહુવા શહેરમાં આજે દિવસ દરમિયાન વાદળછાયા વાતાવરણમાં સાંજ સુધી ટપક સીંચાઈ પધ્ધતી મુજબ ઝરમર વરસાદ પડતા અજે મહુવામાં ૧૮ મીમી વરસાદ નોંધાતા મૌસમનો કુલ વરસાદ ૬૮૧મીમી (૨૭ ઇંચ) થવા જાય છે.

તળાજામાં ઝરમર વર્ષા શરૂ રહી. તળાજામાં ગઈકાલ રાત્રી દરમિયાન તેમજ આજે દિવસ દરમિયાન ઝરમર વર્ષા શરૂ રહેતા વાતાવરણ ટાઢુબોળ થઈ ગયું હતું. આજે સવારથી સાંજ સુધીમાં ધીમી ધારે ૧૯ મીમી (પોણો ઈંચથી વધુ) પાણી પડી ગયું હતુ. આ સાંજ સુધીમાં મોસમનો કુલ વર્ષાંક ૮૦૦ મીમીનો અંક વટાવીને ૮૦૬ મીમી જેટલો થવા જાય છે.

એકધાર્યા ધીમા વરસાદથી અને સતત ભેજથી કાદવ-કીચડ સર્જાતા રોગગ્રસ્ત દુષીત વાતાવરણ સર્જાવાના ભયને કારણે સાવચેતીના આરોગ્ય વિષયક પગલાઓ લેવાની જરૂર જણાઈ રહી છે.

બોટાદ શહેરમાં આજ લગભગ સવારે ૯ કલાકની આસપાસ મેઘરાજાએ વરસવાનું શરૂ કર્યું હતું અને આખો દિવસ વરસાદ વરસવાને કારણે બોટાદની બજારો પણ સુમસામ જોવા મળી હતી. બોટાદમાંથી પસાર થતી ઉતાવળી નદીમાં પણ સારું એવું પાણી ભરાયું હતું. જેને જોવા લોકો ઉમટી પડ્યાં હતાં. આમ બોટાદનો સાંજના ૬ વાગ્યા સુધીનો કુલ ૨.૫ ઈંચ વરસાદ નોંધાયો હતો.

સિહોરમાં આજે મોડી રાતથી જ મેઘરાજાની મહેર શરૂ થઇ ગઇ હતી. અને લગભગ આખો દિવસ વરસાદ વરસ્યો હતો. ઉપરાંત ગ્રામ્ય પંથકમાં પણ સારા વરસાદને કારણે સિહોરના જીવાદોરી સમાન ગૌતમેશ્વર તળાવમાં એક ફૂટ નવા નીર આવક થતાં સિહોરવાસીઓ ગેલમાં આવી ગયેલ. જ્યારે નવાગામમાં એક મકાન ધરાશયી થઇ ગયેલ.

સિહોરમાં મોડી રાતથી જ વરસાદ શરૂ થઇ ગયેલ. અને સાંજ સુધીમાં ૫૯ મિ.મિ. વરસાદ વરસતાં સિહોરનો કુલ વરસાદ ૮૨૦ મિ.મિ. થવા પામ્યો છે. સિહોરમાં બપોરના શુમારે ધોધમાર વરસાદ વરસતા જૂના સિહોરમાં જળબંબાકાર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. સુરકાના ડેલા પાસે વાહન વ્યવહાર ઠપ્પ થઇ ગયો હતો. ગૌતમેશ્વર તળાવમાં ઉપરવાસના ગામોમાં સારો વરસાદ થતાં ગૌતમેશ્વર તળાવમાં એક ફૂટ નવા નીરની આવક થતાં તળાવની કુલ સપાટી ૨૨.૫૦ ફૂટે પહોંચી છે.

જ્યારે નવાગામ ખાતે જુવાનશંગભાઇ સુરશંગભાઇ ગોહિલનું એક મકાન અને એક રસોડું પડી ગયેલ છે. આ મકાનની ઓથારે બેસેલા બે ભુંડ પણ દબાઇને મરી ગયેલ છે. જ્યારે અન્ય ભુંડોને લોકોના સમૂહે એકત્ર થઇને બચાવી લીધા હતા.

ભારે વરસાદથી અડધો દિવસ જનજીવન ઠપ્પ

આજે શહેરમાં ભારે વરસદાથી જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયુ હતું. સરકારી કચેરીઓમાં પાંખી હાજરી જોવા મળી હતી. શિક્ષણ સંસ્થાઓમાં બાળકો માટે રજા રાખી દેવામાં આવી હતી. કોર્ટમાં વકિલોની સંખ્યા ગણી ગાંઠી જોવા મળતી હતી. તો કેટલીક દુકાનો પણ બપોર બાદ ખુલ્લી હતી. મુખ્ય બજારમાં સવારથી બપોર સુધી એકલ-દોકલ માનવીઓ ખરીદી માટે જોવા મળતા હતા.

આવતીકાલ શુક્રવારથી ત્રણ દિવસની રજા છે તે આજના ભારે વરસાદના સંજોગોને લીધે ચાર દિવસના મિની-વેકેશનમાં પરિવતિgત થઈ ગઈ હતી. આજના સવારથી બપોર સુધીનો ભારે વરસાદથી સરકારી, અર્ધ સરકારી કચેરીઓ, દુકાનો, બેન્કો, વિ. ક્ષેત્રોમાં કામકાજ પર અસર થઈ હતી. જોકે બપોર બાદ વરસાદનું જોર ઓછું થતાં શહેરનું જનજીવન પુન: ધબકતુ થયું હતું.
 
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
9 + 9


 
Advertisement
 
Valentines-Day
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 
 
 
 
|  
|  




Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.