શહેરનાં હરિયાળા પ્લોટમાં રહેતો સોની પરિવાર ગત રાત્રિના રૂવાપરી રોડ પર એક પ્રસંગોપાત જમવા માટે ગયા હતા તે દરમિયાન તેમના બંધ ઘરના તાળા તોડી તસ્કરો રોકડ અને સોના-ચાંદીના દાગીના સહિત અઢી લાખનીમતા ઉઠાવી ગયાની બી.ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવાઈ છે.
પોલીસ સૂત્રોમાંથી પ્રાપ્તવિગતો મુજબ શહેરનાં હરીયાળા પ્લોટ વિસ્તારમાં રહેતા સોની વેપારી રમણીકભાઈ શાંતિભાઈ સોની ગત રાત્રિના પ્રસંગોપાત જમવા માટે પોતાનું મકાન બંધ કરી સહ પરિવાર બાર્ટન લાયબ્રેરી પાસે રહેતા તેમના સંબંધી ને ત્યાં જમવા માટે ગયા હતા
દરમિયાન પાછળથી કોઈ જાણભેદુ શખ્સોએ બંધ મકાનનાં તાળા તોડી અંદર પ્રવેશી કબાટ અને તિજોરીના તાળા તોડી તેમા રાખેલા રૂ.૮૮ હજારની કિંમતના સોના-ચાંદીના દાગીના અને રૂ.૧,૫૦,૬૦૦/-ની રોકડ સહિત કુલ રૂ.૨,૩૮,૬૦૦ની મતાની તસ્કરી કરી નાસી છુટયા હતા.
મોડીરાત્રે પ્રસંગ પુરો કરી રમણીકભાઈનો પરિવાર પરત આવતા ઘરમાં બધુ અસ્ત-વ્યસ્ત જણાતા અને તપાસ કરતા ચોરી થયાનું માલુમ પડતા તુરંત જ આ અંગે બી. ડીવીઝન પોલીસને જાણ કરાતાં પી.આઈ. પરમાર તથા સ્ટાફ ઉપરાંત એલ.સી.બી. સ્ટાફ અને ડોગ સ્કવોડ, એફએસએલ અને ફિંગરપ્રીન્ટ નિષ્ણાંતો પણ તપાસાથેg દોડી ગયા હતા. ઘટનાની જાણ થતાં એ.એસ.પી. સેજુળે પણ ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી.