છેલ્લા બે દિવસથી હાલારનાં ખંભાળિયા સહિતનાં વિસ્તારને ધમરોળતા વરસાદે આજે ખમૈયા કરતા લોકોએ હાશકારો વ્યક્ત કર્યો છે. જોકે કલ્યાણપુર સહિતના કાંઠાળ વિસ્તારોમાં આજે હળવો વરસાદ ચાલુ રહ્યો હતો.
સોમ અને મંગળવારે જિલ્લાનાં ખંભાળિયા સહિતના વિસ્તારોમાં વરસેલા ૧પ ઇંચ સુધીના ભારે વરસાદને કારણે અસ્તવ્યસ્ત થયેલું જનજીવન આજે મેઘરાજાએ ખમૈયા કરતા થાળે પડવા લાગ્યું હતું. ખંભાળિયામાં વરસાદ બંધ થતાં નદીઓ શાંત પડી હતી. જેને કારણે શહેરમાં ભરાયેલા પુરનાં પાણી ઓસર્યા હતાં. બીજી તરફ વર્તુ-ર અને સાની ડેમમાંથી છોડવામાં આવેલાં પાણીને કારણે બેટમાં ફેરવાયેલા જામરાવલમાં પાણી નહી ઓસરતા તંત્ર સહિત લોકોમાં ચિતાની લાગણી જન્મી છે. આ સ્થિતિ વચ્ચે વર્તુ અને સાની હજુ પણ છલકાઇ રહ્યા હોય તેમાથી અવિરત પાણી છોડવામાં આવી રહ્યું છે.
જિલ્લામાં ગતરાત્રીથી વરસાદ રોકાઇ ગયો હતો. જોકે કલ્યાણપુર, દ્વારકા અને ભાણવડનાં કાંઠાળ વિસ્તારમાં આજે સવારે હળવો વરસાદ વરસ્યો હતો. જેમાં કલ્યાણપુરમાં એક, ભાણવડમાં પોણો અને દ્વારકામાં અડધો ઇંચ પાણી વરસ્યું હતું. લાંબા અને હર્ષદમાં આજે સવારે ધોધમાર બે થી ત્રણ ઇંચ વરસાદ વરસ્યો હોવાના અહેવાલ સાંપડ્યા છે. વરસાદ રોકાતા લોકો જન્માષ્ટમીના તહેવારની ઉજવણીમાં વ્યસ્ત બન્યા હતાં અને પરંપરાગત મેળામાં મહાલવાનો આનંદ લીધો હતો.
રાવલમાં બેટ જેવી સ્થિતિ યથાવત -
કલ્યાણપુર પંથકના રાવલમાં બુધવારે ઉઘાડ બાદ પણ ગામની સ્થિતિ હજુ પણ સુધારામાં ન હોવાના અહેવાલો સાંપડયો છે. બુધવારે બપોરે ચારેક વાગ્યા આસપાસ વરસાદ સદંતર રીતે બંધ થયા બાદ તડકો નિકળતા ઉઘાડની સ્થિતિથી લોકોમાં હર્ષની લાગણી વર્તાઇ હતી.
પરંતુ વર્તુ-ર અને ડેમના ૩ પાટીયા બે-બે ફુટ અને સાની ડેમમાં ૪ પાટીયા એક-એક ખુલ્લા હોવાથી ગામમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી યથાવત રીતે ભરાયેલા છે. ઉપરાંત નગરપાલિકા કંટ્રોલ રૂમ પણ અવિરતપણે કાર્યરત રાખવામાં આવ્યો છે. આમ, રાવલ ગામમાં ઉઘાડ હોવા છતાં બેટની પરિસ્થિતિ યથાવત છે. ભાટિયા કોઝ-વે પર પાણીનું સ્તર નીચું ઉતરવા વાહન-વ્યવહાર યથાવત રીતે કાર્યરત બન્યો હતો.