- નવી સિસ્ટમ વિદ્યાર્થીઓને ફાવી ગઇ,એક પણ કોપીકેસ નહીં
એસ.એસ.સી બોર્ડની પરીક્ષાનો સમગ્ર રાજ્યની સાથે રાજકોટમાં પણ આજથી પ્રારંભ થયો છે. પહેલું જ ગુજરાતીનું પેપર સહેલું નીકળતાં વિદ્યાર્થીઓમાં આનંદ અને રાહતની લાગણી ફેલાઇ છે.બોર્ડે નવી સિસ્ટમ અનુસાર આ પરીક્ષા લીધી છે અને તેમાં આજે પ્રથમ દિવસે કોઇ ફરિયાદ કે વાંધો નીકળ્યાં નહોતાં. આજે એક પણ કોપીકેસ નોંધાયો નથી.
સૌરાષ્ટ્ર કચ્છમાં ૨,૮૭,૩૯૨ વિદ્યાર્થીઓ એસ.એસ.સીની પરીક્ષા માટે નોંધાયા છે જેમાં રાજકોટ શહેર જિલ્લાના ૬૬,૫૭૮ વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. આજે સવારે ૧૦ વાગ્યે પહેલાં પેપરનો પ્રારંભ થયો હતો.દરેક કેન્દ્રો પર પરીક્ષાર્થીઓને કુમ કુમ તિલક કરાયાં હતાં, શુભેચ્છા પાઠવવામાં આવી હતી.૧.૩૫ વાગ્યા સુધી ચાલેલી પરીક્ષા દરમિયાન એક પણ કોપીકેસ ક્યાય નોંધાયો નથી. શાંતિપૂર્વક પરીક્ષા લેવાઇ હતી.
બોર્ડે અમલી બનાવેલી નવી પરીક્ષા પધ્ધતિ અનુસાર આ વખતે પ્રથમવખત પરીક્ષા લેવામાં આવી રહી છે. પચાસ માકર્સના પ્રશ્નોના જવાબ ઓ.એમ.આર.પધ્ધતિથી -ઓબ્જેક્ટિવ આપવાના રહે છે અને પાસ થવાનું ધોરણ ૩૩ ગુણ છે. એસ.એસ.સીમાં રાજકોટમાંથી ચાર અંધ કન્યાઓ ઉપરાંત ત્રણ અપંગ વિદ્યાર્થીઓ પણ પરીક્ષા આપીને દ્રઢ મનોબળનો પરિચય આપી રહ્યા છે.ગુજરાતી ઉપરાંત ઇંગ્લીશ,ગણિત,વિજ્ઞાન અને ટેક્નોલોજીની પરીક્ષા અત્યારે લેવાઇ રહી છે. બે વૈકલ્પિક વિષયોની પરીક્ષા તો સ્કૂલમાં જ લેવાઇ ગઇ છે.
આવતીકાલે ધો. ૧૦ની કોઇ પરીક્ષા નથી,હવે સીધું જ ત્રણ દિવસ પછી ગણિતનું પેપર છે જ્યારે ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહમાં આવતીકાલે ફિઝિકસની પરીક્ષા બપોરે ત્રણ થી છ લેવાશે.
નબિંધ-પત્ર લેખન સહેલાં પૂછાયાં –
વિદ્યાર્થીઓએ કહ્યું કે તેમને ‘ભ્રષ્ટાચાર ભગાવો,ભારત બચાવો’ , ‘જનતા લોકશાહીનું સાચું સ્વરૂપ’ વિષય પર નબિંધ પૂછાયો હતો. જ્યારે પત્રલેખનમાં વાંચેગુજરાત અભિયાનની ઉજવણીનો અહેવાલ પત્રમાં લખવાનો સવાલ પુછાયો હતો. બન્ને સરળ લાગ્યા હતા સામાન્ય રીતે ગુજરાતીમાં સ્કોરિંગ માકર્સની અપેક્ષા ન હોય પરંતુ ઓબ્જેિકટવ પ્રશ્નો હોવાથી વિદ્યાર્થીઓ આશાવાદી છે.