કેશોદમાં ધો-૯માં અભ્યાસ કરતી છાત્રાએ આપઘાત કરી લેતાં અરેરાટીની લાગણી છવાઈ હતી. શહેરની કન્યા છાત્રાલયમાં રહી અભ્યાસ કરતી માળીયા હાટીનાના તરસીંગડા ગામની આ તરૂણીએ કોઈ અગમ્ય કારણોસર રૂમ ન.૫૪માં ગળાફાંસો ખાઈ લીધો હતો.
આ બનાવની પોલીસમાંથી મળતી વિગત મુજબ કેશોદમાં મહેશનગર વિસ્તારમાં આવેલી જી.ટી.વાછાણી કન્યા છાત્રાલયમાં રહી ધો-૯માં અભ્યાસ કરતી માળીયા હાટીના તાલુકાના તરસીંગડા ગામની અદીતી જગદીશભાઈ કમાણી (ઉ.વ.૧૫) નામની તરૂણીએ કોઈ અગમ્ય કારણોસર આજે બે વાગ્યાના સુમારે ચાલુ શાળા દરમિયાન રીસેસ સમયમાં પોતાના રૂમ નં.૫૪માં આવી પંખાના હુકમાં પ્લાસ્ટીકની દોરી બાંધી ગળા ફાંસો ખાઈ લેતાં તેનું મોત નિપજ્યું હતું.
આ બનાવની જાણ ગૃહપતિ જેન્તીભાઈએ પોલીસને કરતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. જે રૂમમાં રહી અભ્યાસ કરી જીંદગીનું ઘડતર ઘડી રહી હતી તે જ રૂમમાં આ છાત્રાનાં આત્મઘાતી પગલાથી શિક્ષણ આલમમાં અરેરાટીની લાગણી છવાઈ હતી.