-ગીરના નેસડાઓમાં લાઇટ, પાણી, રસ્તા, શિક્ષણ, આરોગ્ય જેવી સુવિધાઓનો અભાવ
-પશુના મારણનું વળતર મળતું નથી
ગીર જંગલના નેસમાં વસતા માલધારીઓ હજુ પણ જાણે અઢારમી સદીમાં હોય તેવા માહોલમાં જીવન વ્યતીત કરી રહ્યા છે. જંગલખાતાની આડોડાઇના કારણે ગીરના નેસડાઓમાં લાઇટ, પાણી, આરોગ્ય, રસ્તા, શિક્ષણ જેવી પાયાની કોઇ સુવિધા જોવા મળતી નથી. ધારીથી ૧પ કી.મી. દુર આવેલ શીવતળીનેસના માલધારીઓ સરકાર સામે આશાભરી મીટ માંડીને બેઠા છે પરંતુ ઉત્સવોમાં વ્યસ્ત સરકારને આ માલધારીઓના નેસ સામે જોવાની ફુરસદ પણ નથી.
ધારી-વીસાવદર રોડ પર ધારીથી ૧પ કી.મી. દુર ગીરકાંઠાના શીવતળીનેસમાં હાલમાં પપ લોકો વસવાટ કરે છે. ગણ્યા ગાઠયા કુટુંબોનો આ નેસ આધુનીક સમયની કોઇ સુખ સગવડ ધરાવતો નથી. આ નેસમાં પીવાના પાણી માટે ડંકી, કુવો કે અન્ય કોઇ સુવિધા નથી. જેને પગલે મહિલાઓને પાણી માટે દુર દુર ભટકવુ પડે છે. આટલા નાના નેસ માટે સ્વાભાવીક રીતે જ શાળા કે શિક્ષકની પણ કોઇ વ્યવસ્થા થઇ નથી. જેને પગલે નેસના બાળકો શિક્ષણથી વંચીત રહે છે. સરકાર દ્વારા શહેરી વિસ્તારોમાં વિવિધ આવાસ યોજનાઓ ચલાવવામાં આવે છે. ગ્રામ્ય વિસ્તારોમાં આવાસ યોજનાની સાથે મકાન સહાય પણ આપવામાં આવે છે. પરંતુ આ નેસના લોકો માટે જમીન-મકાન સહાય મળતી ન હોય તેઓ કંતાનના કુબામાં રહે છે. જેમાં લાઇટ કે પાણીની કોઇ સુવિધા હોતી નથી. કુબાઓમાં તો ઠીક પરંતુ જાહેર ટ્રીટ લાઇટની પણ અહિં સુવિધા નથી. ગીરના અમુક નેસમાં સોલાર સ્ટ્રીટ લાઇટ ફાળવાઇ છે પરંતુ અહિં તે સુવિધા પણ નથી. નેસડામાં રહેતા માલધારીઓને રેશનીંગકાર્ડ જ ફાળવવામાં આવ્યા નથી. પરિણામે સરકારની કોઇ યોજનાઓનો લાભ તેને મળતો નથી. આ તમામ માલધારીઓની રોજીરોટી પશુપાલન પર ચાલે છે. ગાય, ભેંસના દુધના વેચાણની આવક પર તેમનું ગુજરાન ચાલે છે.
પશુના મારણનું વળતર મળતું નથી : માલાભાઇ
શીવતળીનેસમાં વસતા માલધારી માલાભાઇ માણસુરભાઇએ જણાવ્યુ હતું કે જંગલમાંથી ચડી આવતા સિંહ-દિપડા દ્વારા અવાર નવાર તેમના ઉપયોગી દુધાળા પશુઓનું મારણ કરવામાં આવે છે. મારણની ઘટનાઓ અવાર નવાર બનતી રહે છે. પરંતુ વન વિભાગ દ્વારા મોટાભાગના કિસ્સામાં વળતર અપાતુ નથી.