મીઠીવિરડી પંથકનાં ગામોની કાયાપલટ કરવાનાં દ્રઢ નિર્ધારસાથે ભારત સરકારનાં સાહસ ન્યુક્લિયર પાવર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લી. દ્વારા આગામી ૨૦૧૨ની સાલમાં મીઠીવિરડી ગામે તૈયાર થનાર આ અણુ વિધ્યુત મથકનું પ્રથક કાર્ય સુરક્ષા રહેશે. બાદ જ વિધ્યુતનું ઉત્પાદન થશે. તેમ કાકરાપાર અણુ વિધ્યુત મથકનાં સ્ટેશન ડાયરેક્ટર પી.કે. દત્તાએ સંવાદદાતાઓને જણાવ્યું હતું.
આ પ્રસંગે મીઠી વિરડી પ્રોજેક્ટનાં ચીફ એકજીક્યુટીવ એન્જીનિયર પી.એમ. શાહે ઉમેર્યું હતું કે, આ વિધ્યુત મથકનાં નિર્માણથી ગ્રામજનોને વિકાસની કેડી પર લાવીને ઉત્તમ અને ઉજજવળ ભવિષ્ય તરફ લઇ જવાનો સંનિષ્ઠ પ્રયાસ કરાશે. અને જમીન સંપાદનનાં કાર્યમાં ખેડૂતોને સહેજ પણ અન્યાય નહીં થાય.
અણુ વિધ્યુત મથકનાં પ્રથમ એકમનાં પ્રારંભ કાળથી જ મીઠીવિરડી સહિતનાં ગ્રામ્ય વિસ્તારોમાં નિગમની સામાજિક જવાબદારી તરીકે પર્યાવરણલક્ષી અને કલ્યાણકારી પ્રવૃત્તિઓ જેવી કે સ્વાસ્થ્ય, શિક્ષણ અને પીવાનાં પાણી, પશુ આરોગ્ય સહિતની તમામ પ્રાથમિક સુવિધાઓ અને જનસુખાકારીની અનેકવિધ કામગીરીઓ કરાશે.
અમુક પર્યાવરણવાદી સંસ્થાઓ દ્વારા મીઠીવિરડીનાં સંભવિત પ્લાન્ટ સામે જે વિરોધ નોંધાવાઇ રહ્યો છે. તે ખરેખર પોકળ છે. કારણ કે અણુ વીજ મથકથી દેશને ફાયદો જ થાય છે.
કાકરાપાર વીજ મથક સહિત આસપાસનાં ગામોમાં ચોતરફ લીલીછમ્મ હરિયાળી લહેરાઇ રહી છે. જમીનની ફળદ્રુપતામાં ઘટાડો નોંધાયો નથી. આજની તારીખે પણ પ્લાન્ટ આસપાસ શેરડી, ડાંગરનો પાક જગતનાં તાત ખેડૂતો મુક્ત મને લઇ રહ્યા છે. અણુ વિધ્યુત મથક સંપૂર્ણપણે ઇકો ફ્રેન્ડલી હોય પર્યાવરણ અને ખેતીવાડીને તસુભાર પણ નુકસાન થશે નહીં. તેમ કાકરાપાર અણુ વિધ્યુત મથકનાં ચીફ સુપ્રિ. વિનોદકુમાર અને ભાવનગરનાં લાયઝન ઓફિસર એમ.ટી. ડઢાવીયાએ જણાવ્યું હતું.
અવિકસીત તળાજાનો દશકો આવશે
અણુ વીજમથકનાં નિર્માણથી મીઠી વિરડી પંથકનાં અસંખ્ય આશાસ્પદ યુવાનોને ઘર આંગણે રોજગારી મળી રહેશે. કાકરાપાર અણુ વિધ્યુત મથકનાં પ્લાન્ટનાં વિવિધ વિભાગોમાં હાલ ભાવનગરનાં ઘણાં યુવાનો ફરજ બજાવી રહ્યા છે.
ભરતનગરનાં વતની હરેશ બી. ગોહિલ, પરેશભાઇ રાઠોડ અને જસપરા ગામનાં રહિશ બટુકભાઇ જી. કુચાનાં પુત્ર શૈલેષભાઇ સહિતનાં અનેક યુવાનો પ્લાન્ટમાં ફરજરત છે. તેઓએ જણાવ્યું હતું કે, આ પ્લાન્ટથી કશો જ ગેરફાયદો છે નહીં ઉલ્ટાનું મીઠીવિરડીનાં સંભવિત પ્લાન્ટથી અવિકસીત તળાજા પંથકનો ખરા અર્થમાં દશકો આવશે જ.