BSNLના અધિકારીઓ અને ખાનગી ટેલિફોન એક્સચેન્જની સાંઠગાંઠથી મોટાભાગના વિસ્તારમાં રિલાયન્સ અને BSNLના કોલ મફતમાં કરાવાય છે
ભાવનગર જિલ્લામાં ભારત સંચાર નિગમ લિમિટેડ (બીએસએનએલ)ના અધિકારીઓ અને ખાનગી ટેલિફોન એક્સચેન્જ ધારકો સાંઠગાંઠ રચી અને ગ્રાહકોને મફતમાં કોલ કરાવી આપવાની ગોઠવણ કરી અને સરકારી તંત્રને કરોડો રૂપિયાનો ચૂનો લગાડવામાં આવી રહ્યો છે.
બીએસએનએલના નેટવર્કનો ઉપયોગ કરી અને ખાનગી ટેલિફોન એક્સચેન્જ ધારકો દ્વારા મફત કોલ કરાવી આપવાની ગ્રાહકોને લાલચ આપવામાં આવી રહી છે, અને તે અંર્તગત પ્રાયવેટ એક્સચેન્જના માલીકો દ્વારા રિલાયન્સ અને બીએસએનલની લાઇનો કોમ્પ્યુટરના માધ્યમથી મિકસ કરાવી અને આ બંને નેટવર્ક પરની લેન્ડલાઇન પર મફત કોલ કરાવી આપવાનું કૌભાંડ ચાલી રહ્યું છે.
ખાનગી એક્સચેન્જમાં ભાગીદારી ધરાવતા એક શખ્શના જણાવ્યા અનુસાર બીએસએનએલ અને રિલાયન્સ એમ બંને નેટવર્કનું ગેરકાયદે એકત્રીકરણ કરવામાં આવે છે. જો કે બીએસએનએલના ઉચ્ચ અધિકારીઓને તગડી રકમ ચૂકવવામાં આવી રહી હોવાથી તેમાં કોઇ ડીસ્ટર્બન્સ કરવામાં આવતું નથી.
એક તરફ કરોડો રૂપિયાની ખોટના ખાડામાં ઉતરી ગયેલા બીએસએનએલને ઉગારવા માટે તંત્ર કર્મચારીઓની સવલતો પર કાતર ફેરવી રહી છે, અને આર્થિક બચતના જંગી પગલા ઉપાડી રહ્યા છે, ત્યારે બીજી તરફ અમુક અધિકારીઓ અંગત સ્વાર્થ ખાતર આવા કૌભાંંડો આચરી અને બીએસએનએલને કરોડો રૂપિયાનું નુકસાન કરી રહ્યા છે.
ખાનગી એક્સચેન્જ માટેના તમામ નીતિ નિયમોનું છડેચોક કરાઇ રહેલું ઉલ્લંઘન
ભાવનગરમાં અનેક વિસ્તારોમાં ધમધમી રહેલા ખાનગી ટેલિફોન એક્સચેન્જ માટે ટેલિકોમ રેગ્યુલરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા (ટ્રાય) દ્વારા જારી કરવામાં આવેલી ખાનગી ટેલિફોન એક્સચેન્જ અંગેની તમામ માર્ગદિર્શકાનું છડેચોક ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે. જે પૈકી ૫૦૦ મિટરના વિસ્તારની બહાર કનેકશનની ફાળવણી નહીં કરવા અંગે, રોડ ક્રોસ કરીને કનેકશન નહીં આપવા, બીએસએનએલની મશિનરી, કેબલ અથવા કોઇપણ ઇન્ફ્રાસ્ટ્રકચરનો ઉપયોગ નહીં કરવા અંગેની માર્ગદિર્શકા હોવા છતા આ તમામ બાબતોનું છેદ ઉડાવી ખાનગી ટેલિફોન એક્સચેન્જને ફાયદો પહોંચાડવામાં આવી રહ્યો છે.
બ્રોડબેન્ડ કનેકશનમાં પણ સરકારી મશિનરીનો ઉપયોગ!
સરકારી મશિનરીનો ઉપયોગ કરી અને ભાવનગરના વ્યાપાર-ધંધા વાળા વિસ્તારોમાં ખાનગી ટેલિફોન એક્સચેન્જ દ્વારા બ્રોડબેન્ડ ઇન્ટરનેટ કનેકશન ફાળવવામાં આવી રહ્યા છે. બીએસએનએલના મુખ્ય ઓપ્ટિકલ ફાયબર કેબલ (ઓ.એફ.સી)માંથી જંકશન મારી અને અનેક જગ્યાએ ખાનગી એક્સચેન્જ ધારકો દ્વારા ઇન્ટરનેટ કનેકશન ફાળવવામાં આવી રહ્યા છે. આ માટે કૌભાંડીઓ દ્વારા બીએસએનએલના અધિકારીઓથી માંડીને લાઇનમેનો સુધી નૈવેધ ધરવામાં આવી રહ્યા છે.