પોલીસે બે લાખની રોકડ કબજે કરી અન્ય ચાર તસ્કરોને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા
અલંગ શિપ બ્રેકીગ યાર્ડના પ્લોટ નં.૮૨માંથીપખવાડીયા અગાઉ રૂ.પાંચ લાખ ભરેલી તિજોરી ઉઠાવી નાસી છુટેલા તસ્કરોને ઝડપી પાડવામાં અલંગ પોલીસને સફળતા મળી છે. જેમાં ચાર આરોપીઓની બે લાખથી વધુની મત્તા સાથે ધરપકડ કરી છે.
આજરોજ લાભ પાંચમના શુભ દિને પોલીસે આરોપીઓને ઝડપવાનું મુહૂર્ત સાચવ્યું હોય તેમ અલંગમાંથી ગત તા.૧૪/૧૦/૧૧ના રોજ પ્લોટ નં.૮૨માં તસ્કરોએ ત્રાટકી રૂ.૪,૮૬,૦૦૦ ભરેલી આખી તિજોરી ઉઠાવીને નાસી છુટયા હતા.જે અંગે રાજેશકુમાર કૈલાસચંદ જાંગીડે અલંગ પોલીસમાં ફરિયાદ નોંધાવેલ.
આ અંગે અલંગ પોલીસ મથકના પીએસઆઇ આચાર્યએ તપાસ હાથ ધરી હતી. જેમાં અગાઉ અલંગમાં મિલ્કત વિરોધી ગુન્હામાં સંડોવાયેલા ઇસમોની આ ચોરીમાં હોવાની શંકા વ્યક્ત થતાં એસપી વી.ચંદ્રશેખરના માર્ગદર્શન હેઠળ પીએસઆઇએ આ ગુનાના મુખ્ય સૂત્રધાર ભારાપરા ગામના વિક્રમ પોપટ મકવાણા, મુકેશ ઝવેરભાઇ બારૈયા તેમજ મીઠીવિરડીના દિલીપ ગભા ડાભી અને પાદરી (ગો)ના બળવંતભાઇ ધીરજલાલ ધાંધલીયાની ધરપકડ કરી તેઓ પાસેથી રૂ.૨,૦૭,૦૦૦ની રોકડ રકમ કબજે કરી છે. આ ટોળકીના અન્ય સાગરીતો અકવાડાનો રાજેશ તુલસી, રાજેશનો મિત્ર, મીઠીવિરડીનો રઘુ હીરા કોળી તથા મીઠીવિરડીના જ ભૂપત ખાટા ડાભીને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.