ગાંડા બાવળ કાઢવાનાં કામમાં જેસીબીનાં નંબરો ટ્રેક્ટર-ટ્રકનાં નીકળ્યા : ૧૬ લાખની જવાબદારી ફિકસ કરતાં કલેક્ટર
વર્ષ ૨૦૦૮માં કોંગ્રેસના એક મતથી મહિલા પ્રમુખ સત્તારૂઢ થયા હતા
માણાવદર નગરપાલિકાનાં પૂર્વ પ્રમુખ ઉચાપત પ્રકરણમાં ફસાતા સ્થાનિક રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. ગાંડા બાવળ કાઢવાનાં કામમાં જેસીબીનાં નંબરો ટ્રેક્ટર એ ટ્રકનાં નીકળતાં જિલ્લા કલેક્ટરે તેમની સામે R ૧૬ લાખની જવાબદારી ફિકસ કરી નગરપાલિકા નિયામક રાજકોટને દરખાસ્ત કરતાં પાલિકા વર્તુળમાં હલચલ મચી ગઇ છે.
માણાવદર નગરપાલિકાની વર્ષ ૨૦૦૮માં યોજાયેલી ચૂંટણીમાં કોંગ્રેસને એક મતથી બહુમતિ મળતાં ગીતાબેન ડાયાભાઇ મકવાણા પ્રમુખ તરીકે સત્તા દ્રઢ થયા હતાં. તેમનાં વડપણમાં પાલિકાની પ્રથમ સામાન્ય સભા તા. ૨૧/૪/૦૮નાં મળતાં શહેરમાંથી ગાંડા બાવળ કાઢવા ઠરાવ નં. ૨૧ થી R પ લાખનો ખર્ચ મંજૂર કરાયો હતો. ત્યારબાદ આ અંગેના ટ.ન્ડર માત્ર એક અખબારમાં પ્રસિધ્ધ કરી સાત દિવસને બદલે ચાર દિવસમાં જ ટેન્ડર મંગાવી કામ સોંપી દેવાયું હતું.
આ કામગીરીમાં ગાંડા બાવળો ક્યાં ગયા, કેટલા કલાક રોજનું કામ થયું ? જેવી કોઇપણ પ્રક્રિયા કર્યા વગર R ૧૬,૪૯,૧૫૦ની રકમનાં ૧૦ બીલને બનાવી નાંખવામાં આવ્યા હતાં. આ કૌભાંડ જે તે સમયનાં ઇન્ચાર્જ ચીફ ઓફિસર વી.એમ. કંડોરીયા, એકાઉન્ટન્ટ કુમન ડરાણીયા અને પ્રમુખની મીલીભગતથી જ શક્ય બની શકે. આ કૌભાંડ પ્રકરણમાં એકાઉન્ટન્ટ કુમન ડરાણીયા હાલ સસ્પેન્ડ છે.
આ કૌભાંડ પ્રકરણ અંગે પાલિકાનાં પૂર્વ પ્રમુખ દેવજીભાઇ ઝાટકીયાએ નગરપાલિકા અધિનિયમ હેઠળ માહિતી માંગતા કલેક્ટર એ.એમ. પરમારે આ પ્રકરણની તપાસ નાયબ કલેક્ટરને સોંપ્યા બાદ અનેક નિયમિતતાઓ બહાર આવી હતી. જેમાં ગાંડા બાવળો જે જેસીબી મશીનથી ઉપાડવાનાં હતા તેને બદલે જીજે-૧૧-એમ-૩૪૬૬ નંબરનું ટ્રેક્ટર અને જેજી-૬-એમ-૩૪૬૬ નંબરનાં ટ્રકનાં જોવા મળ્યા હતાં. આમ કલેક્ટરે કલમ ૭૦ હેઠળ પૂર્વ પ્રમુખ ગીતાબેન મકવાણા સામે R ૧૬,૪૯,૨૫૦ ની જવાબદારીમાં ફિકસ કરવા પ્રાદેશીક નિયામક રાજકોટને તા. ૩/૧૦/૧૧ રોજ ખળભળાટ મચી ગયો છે.
ઉલ્લેખનીય એ છે કે, સ્થાનિક કક્ષાએ પાલિકાના વહિવટમાં બહાર આવેલી પોલમપોલ ચર્ચામાં રહી છે.
પૂર્વ પ્રમુખ ગીતાબેન મકવાણાને કોઇ જાણ નથી
આ પ્રકરણ અંગે પૂર્વ પ્રમુખ ગીતાબેન મકવાણાનો સંપર્ક કરતા તેમણે આ અંગે પોતાને કશી જ ખબર નથી તેમ જણાવ્યું હતું. બીજી તરફ હાલનાં પ્રમુખ પ્રવિણાબેન દેલવાડીયાએ આ પ્રકરણમાં માણાવદર પોલીસ સ્ટેશનમાં તા. ૨૫/૭/૧૧ નાં રોજ અરજી કરી હતી.