- કાર પલટી જતાં એક જ પરિવારના ત્રણ સહિત ચારનાં મોત
- મુંબઇ રહેતાં મૂળ ઉપલેટાના વાડલા ગામના પરિવારને અકસ્માત
- થાંભલા સાથે અથડાયા બાદ કાર નીચે ખાબકતા કડવા પાટીદાર દંપતી, તેના પુત્ર અને સાઢુની પુત્રીના મોત, ત્રણ બાળકોનો ચમત્કારિક બચાવ
ધોરાજી નજીક સુપેડી-ડુમિયાણી રોડ પર શનિવારે રાતે કાર થાંભલા સાથે અથડાયા બાદ પલટી મારીને ૨૦ ફૂટ નીચે રેલવેના ગડર પર પડતા સર્જાયેલા અકસ્માતમાં મૂળ ઉપલેટાના વાડલા ગામના વતની અને હાલ મુંબઇ રહેતા કડવા પાટીદાર પરિવારના ત્રણ સભ્યો સહિત ચારના અરેરાટીભર્યા મૃત્યુ નિપજ્યા હતા. જ્યારે અન્ય ત્રણ બાળકોનો ચમત્કારિક બચાવ થયો હતો. મુંબઇથી વતનમાં વેકેશન કરવા આવેલા કોંગી અગ્રણીના પુત્ર,પુત્રવધૂ સહિત ચાર વ્યક્તિના મૃત્યુથી કડવા પાટીદાર સમાજમાં ઘેરો શોક છવાયો છે.
ગોઝારા અકસ્માતની વિગત મુજબ, વાડલા ગામના પૂર્વ સરપંચ તેમજ ઉપલેટા શહેરના પૂર્વ કોંગ્રેસ પ્રમુખ શાંતિલાલ બાવરિયાના મુંબઇના વસઇમાં સ્થાયી થયેલા અને બિલ્ડીંગ મટિરિયલ્સનો ધંધો કરતા પુત્ર એલ્વીશભાઇ (ઉ.વ.૪૦) વેકેશન હોવાથી પત્ની, પુત્ર સાથે એમ.એચ. ૦૪ -ઈ એફ- ૭૧૭૯ નંબરની ઇન્ડિકા કાર લઇને વતન આવ્યા હતા. પરિવાર સાથે જૂનાગઢ, રાજકોટ, જામનગર ફરવા ગયા હતા. જૂનાગઢથી શનિવારે રાતે ઉપલેટામાં સુવિધા સોસાયટીમાં રહેતા સાઢુભાઇ હસમુખભાઇ મોહનભાઇ હદવાણીને ત્યાં ગયા હતા.
એલ્વીશભાઇ ગતરાતે સાઢુભાઇના ઘરેથી પરત વાડલા જઇ રહ્યા હતા ત્યારે સુપેડી નજીક આદીનાથ સોલ્વન્ટ પાસે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા કાર થાંભલા સાથે અથડાયા બાદ ૨૦ ફૂટ નીચે ગબડીને રેલ-વેના ગડર ઉપર પડતા હાઇવે મરણચીસોથી ગૂંજી ઉઠ્યો હતો.
અકસ્માતમાં કારમાં બેઠેલા એલ્વીશભાઇ,તેમના પત્ની ક્રિષ્નાબેન (ઉ.વ.૩૮),પુત્ર નીલ (ઉ.વ.૧૧) અને સાઢુભાઇની પુત્રી ચાંદની હસમુખભાઇ હદવાણી (ઉ.વ.૧૬) ના ગંભીર ઇજા થવાથી સ્થળ ઉપર જ કમકમાટીભર્યા મૃત્યુ નિપજ્યા હતા. જ્યારે એલ્વીશભાઇના પાંચ વર્ષના પુત્ર અંશ, અને ભાયાવદર રહેતા સાળા અનિલભાઇ ફળદુની પુત્રી જેની (ઉ.વ.૬) અને પુત્ર ધ્રુમિલ (ઉ.વ.૧૪)ને સામાન્ય ઇજા થઇ હતી. ચાંદનીના પિતા હસમુખભાઇ અને માતા ઉપલેટા હાઇસ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે.
અકસ્માતના બનાવની જાણ થતા પીઆઇ એચ.આર.ઝાલા સ્ટાફ સાથે ઘટના સ્થળે દોડી ગયા હતા. અને ઇજાગ્રસ્ત બાળકોને ઇમરજન્સી ૧૦૮માં તાત્કાલિક હોસ્પિટલ ખસેડવા પ્રબંધ કર્યો હતો.
સ્મશાનયાત્રામાં આગેવાનો જોડાયા
કોંગી અગ્રણી શાંતિભાઈ બાવરિયના પુત્ર, પુત્રવધૂ અને પૌત્ર ની સ્મશાનયાત્રા આજે બપોરે જવાહર સોસાયટીથી નિકળી હતી જેમાં રાજકિય આગેવાનો, અગ્રણી વેપારીઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં જોડાયા હતા.
પાંચ વર્ષના અંશે અકસ્માતમાં માતા, પિતા અને ભાઇને ગુમાવ્યા
જીવલેણ અકસ્માતમાં એલ્વિશભાઇ, તેના પત્ની ક્રિષ્નાબેન અને મોટા પુત્ર નીલના મૃત્યુ થયા હતા. જ્યારે પાંચ વર્ષના પુત્ર અંશનો ચમત્કારિક બચાવ થયો હતો. કુદરતે માસૂમ અકસ્માતમાં માસૂમ બાળકના માતા-પિતા અને ભાઇને ગુમાવતા પટેલ પરિવાર હતપ્રભ બની ગયો છે.