- સંબંધોમાં ભૂતકાળની કટુ સ્મૃતિને વિસરી વર્તમાનમાં જીવો
- ‘માણસ માત્ર ભૂલને પાત્ર’ પણ ભૂલને માફ કરે તે મુઠ્ઠી ઉંચેરો માનવી
કિતની બુરી લગતી હૈ જિંદગી,
જબ હમ તનહા મહેસુસ કરતે હૈ,
મરને કે બાદ મિલતે હૈ ચાર કંધે,
ઔર જીતે જી એક કે લીયે તરસતે હૈ.
બિઝનેસમાં ટેક્નોલોજી અને વર્તમાન પ્રવાહની સાથે રહીએ તો જ સફળ થવાય છે.
મેનેજમેન્ટ ગુરૂઓનું માનવું છે કે ધંધામાં ટેક્નોલોજી અને વર્તમાન પ્રવાહને સતત નજર સમક્ષ રાખવા જોઈએ. ટેક્નોલોજીનો શક્ય તેટલો વધુ ઉપયોગ કરવાથી કામ સરળ અને વધુ ચોક્કસ બને છે તે જ રીતે બદલાતા પ્રવાહો, ફેશનને ધ્યાનમાં રાખવાને કારણે તમે ગ્રાહકોને આકર્ષવામાં સફળ થાવ છો અને આવુ થાય તો જ ધંધાનો વિકાસ શક્ય બને છે.
સંસારમાં વિતી ગયેલી કાલને ભૂલી અને વર્તમાનમાં જીવી શકે તે સૌથી વધુ સુખી હોય છે.
એક યુવતીએ કહ્યું, ‘લગ્ન પછી હું મારા પતિની વાતોમાં ભોળવાય ગઈ અને મેં મારા લગ્ન પહેલાના પ્રેમ અંગે તેમને બધી હકીકત કહી દીધી. મારો લગ્ન પહેલાનો પ્રેમ એકદમ નિર્દોષ અને નિખાલસ હતો. જ્ઞાતિ અલગ અલગ હોવાથી કુટુંબીજનોના વિરોધને કારણે અમે લગ્ન ન કર્યા અને સમજીને છુટા પડ્યા. મેં મારા પતિને આ વાત કહી તે પછી તે મને વાતવાતમાં ટોણા મારે છે. મારી ભૂલ થઈ તે કબૂલ કરૂ છુ પણ હવે મારે તેની સાથે કોઈ સંબંધ નથી. હવે હું મારા પતિને જ પ્રેમ કરૂ છુ પણ આ વાત તે સ્વીકારતા નથી. મારો પતિ મારામાં વિશ્વાસ મુકે તે માટે હું શું કરૂં ?’
દરેક મનુષ્યએ વર્તમાનમાં જીવતા શીખવું જોઈએ. યુવાનીમાં તમારા જીવનસાથીએ શું કર્યું હતું તે જાણવાનો કદીય પ્રયત્ન જ ન કરવો જોઈએ. એને બદલે બિલોરી કાચ લઈ તમે સતત એનો ભૂતકાળ ફંફોસતા રહેશો તો તમે તમારો વર્તમાન પણ બગાડશો.
તમારી પત્ની કોને પ્રેમ કરતી હતી તે જાણીને તમે દુ:ખી થાવ છો પણ એના બદલે વર્તમાનમાં તમારી પત્ની તમને કેટલો પ્રેમ કરે છે એ કેમ નથી તપાસતા ?
સંબંધોમાં ભૂતકાળની કટુ સ્મૃતિને ભૂલી વર્તમાનમાં જીવવું જોઈએ. ક્યારેક પતિ-પત્ની વચ્ચે ઝગડો પણ થયો હોય અને ઝગડા સમયે બેમાંથી એક પાત્રએ સામેના પાત્રને કશું કહ્યું હોય તો તેના એ શબ્દોને પકડી સંબંધોમાં કાયમ કડવાશ રાખવાને બદલે એના કહેલા વાક્યોને ભૂલી જઈ વર્તમાનના તેના વ્યવહારને નજર સમક્ષ રાખવો જોઈએ.
ભૂતકાળમાં તમારી પત્નીએ કોઈને પ્રેમ કર્યો છે એ કાંઈ તેનો એટલો મોટો ગુનો નથી. એને બદલે તમે એવું વિચારો કે જે પ્રેમ અને લાગણીની ભાષા સમજી શકે છે તેવું પાત્ર તમને મળ્યું છે. તમારી પત્ની હજી તેના ભૂતકાળના પ્રેમી સાથે સંબંધ રાખતી હોય તો તેને સમજાવો.
અરે તમારામાં સ્નેહ અને લાગણીનો ધોધ વરસાવવાની તાકાત હોય તો તમે એને એટલો બધો પ્રેમ આપો કે તમારી સિવાય બીજા કોઈ અંગે વિચારવાનું પણ તેને મન ન થાય.
એ જ રીતે તમારો પતિ તમારા ભૂતકાળને યાદ કરી તમને ટોણા મારે છે તો તેને હળવાશથી લ્યો અને તમે પણ તમારા પતિને એટલો ભરપુર સ્નેહ આપો, એની કાળજી લ્યો કે એ તમારા ભૂતકાળના પ્રેમને યાદ પણ ન કરે.
દામ્પત્યજીવનની સ્નેહ, વિશ્વાસ, સમજણ તથા વફાદારીના પાયા દ્વારા ઈમારત બની હોય છે. આ ચારમાંથી એક પણ પાયો ડગમગે તો ઈમારતને કડડભૂસ થતા વાર નથી લાગતી.
માણસ માત્ર ભૂલને પાત્ર હોય છે પણ જે ભૂલને માફ કરે તે મુઠી ઉંGચેરો માનવી હોય છે, તમારી પત્નીના ભૂતકાળને એની ભૂલ સમજીને માફ કરો અને વર્તમાનમાં જીવો.
જિંદગીમાં વિતી ગયેલી વાત ભૂલવી એ બહુ સહેલી વાત નથી તેમ છતાં વિતી ગયેલી વાતને ભૂલી વર્તમાનમાં જીવવાનો પ્રયત્ન કરો. જો એકવાર આ પરિસ્થિતિ તમે ઊભી કરી શકશો તો તમને જિંદગી જીવવા જેવી લાગશે ગેરેંટીથી...