રાણાવાવ તાલુકાના અણિયારી ગામે એક શખ્સની વાડીમાં વિદેશી દારૂનો જથ્થો ઉતર્યો હોવાની બાતમીના આધારે પોલીસે અડધી રાત્રે દરોડો પાડીને નીરણમાં છુપાવેલો વિદેશી દારૂનો જથ્થો પકડી પાડ્યો હતો. જો કે આરોપી હાથ લાગ્યો ન હતો.
આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ રાણાવાવ તાલુકાના અણિયારી ગામે રહેતા મગન હીરા હુણ નામના શખ્સે પોતાની વાડીમાં વિદેશી દારૂનો મોટો જથ્થો ઉતાર્યો હોવાની બાતમી રાણાવાવના પી.એસ.આઈ. સુવેરાને મળી હતી.
જેમના આધારે તેમણે રાત્રિના અઢી વાગ્યે પોલીસ કાફલા સાથે દરોડો પાડ્યો હતો અને વિદેશી દારૂના જથ્થાની શોધખોળ હાથ ધરી હતી. આ દરમિયાન નીરણમાં છુપાવેલી વિદેશી દારૂની બોટલ નંગ ૧૩પ, કિંમત R ૩૯,૩૦૦ નો મુદ્દામાલ મળી આવ્યો હતો. જો કે મગન હીરાને ગંધ આવી જતા પોલીસ આવે તે પહેલા જ નાસી છુટ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય એ છે કે, પોલીસને વિદેશી દારૂ નિરણમાં છુપાવેલો હોય તેવી બાતમી મળતાની સાથે જ પોલીસ કાફલા સહિત દારૂનાં છુપાવેલ સ્થળે દરોડો પાડ્યો હતો. પરંતુ પોલીસ આવે તે પહેલાં આરોપી ત્યાંથી ભાગી છુટ્યો હતો.
તેને પકડવા માટે પોલીસે વધુ તપાસ હાથ ધરી આ શખ્સની શોધખોળ હાથ ધરી છે.