કાંઠા વિસ્તારમાં રસ્તા, લાઇટ, પાણી, આરોગ્ય જેવી પૂરતી સુવિધાઓનો અભાવ : ડ્રેજીંગ પણ થતું નથી
કરોડોનું હુંડીયામણ રળી આપતા માછીમારો કદી બે પાંદડે ન થયા
અમરેલી જિલ્લામાં રાજુલા-જાફરાબાદ પંથકમાં દરીયાકાંઠાનાં ગામોમાં માછીમારીનો વ્યવસાય હજારો પરિવારને રોજીરોટી આપે છે. પરંતુ માછીમારો સરકારી ઉપેક્ષાનો ભોગ બન્યા હોય દારૂણ ગરીબીમાં સબડી રહ્યા છે. માછીમારો સરકારને કરોડોનું વિદેશી હુંડીયામણ રળી આપે છે પરંતુ માછીમારો કદી બે પાંદડે ન થયા. જાફરાબાદનાં માછીમારો જ્યાં વસે છે તે સામા કાંઠા વિસ્તારમાં રસ્તા, લાઇટ, પાણી, આરોગ્ય જેવી પુરતી સુવિધાઓનો અભાવ છે. સરકાર ડીઝલ પર સબસીડી આપતી નથી. બંદર પર નિયમિત ડ્રેઝીંગ પણ થતુ નથી.
રાજ્ય સરકાર વિકાસની દોડમાં ગુજરાત શિરમોર હોવાની ગુલબાંગો હાંકતી રહે છે પરંતુ જાફરાબાદમાં માછીમારોની વસાહત એવા સામાકાંઠા વિસ્તારમાં સરકારનો કોઇ પ્રતિનિધિ ચક્કર મારશે તો ખબર પડશે કે અહિં તો મુંબઇની ધારાવીની ઝુપડપટ્ટી કરતા પણ બુરી દશા છે.
અહીંનો સાગરખેડૂ અથાગ પરિશ્રમમાં માને છે. વરસમાં આઠ માસ તે દરીયા ખેડી દિવસરાત મહેનત કરે છે. પરંતુ તેનું આખુ જીવન ગરીબીમાં જ જાય છે. કારણ કે માછીમારીનું પુરતુ વળતર મળતુ નથી. સરકારની મદદ ક્યાંય નજરે પડતી નથી. માછીમારીની પધ્ધતિ આધુનીક નથી તેમ અહીં આધુનીક ભૌતીક સુખ-સગવડોનો પણ અભાવ જોવા મળે છે.
જાફરાબાદનાં સામા કાંઠા વિસ્તારમાં ભારે ગંદકીનું સામ્રાજ્ય છે. અહીં સાફ-સફાઇનાં અભાવે ચારે તરફ ગંદકી છવાયેલી રહેતી હોય ગમેત્યારે રોગચાળા જેવી સ્થિતિનું નિર્માણ થાય છે. જંતુનાશક દવાનો છંટકાવ પણ કરવામાં આવતો નથી. ચોમાસામાં સ્થિતિ સૌથી બદતર હોય છે.આવી જ રીતે આ વિસ્તારના લોકોને શુધ્ધ પીવાનું પાણી પણ મળતુ નથી. સામા કાંઠા વિસ્તારના રસ્તાઓની પણ અપુરતી સુવિધા છે. સ્ટ્રીટલાઇટની પુરતી સુવિધા નથી. માછીમારોનાં વિકાસ માટે સરકાર કરોડોની ગ્રાન્ટની ફાળવણીની જાહેરાત કરે છે. પરંતુ આ જાહેરાતો માત્ર કાગળ પરની જ જાહેરાતો બનીરહે છે.
નાના-મોટા દરિયાઇ અકસ્માતો કે જીવલેણ અકસ્માતોનાં સંજોગોમાં પણ સરકારી સહાયથી માછીમારો વંચિત રહે છે. ફરાબાદનાં દરિયામાં મેરી ટાઇન બોર્ડ દ્વારા નિયમિત ડ્રેજીંગ પણ કરવામાં આવતુ નથી. જેને પગલે અહિં સતત કાંપ ભરાયેલો રહેતો હોય માછીમારી કરીને આવતી બોટોને ભારે અગવડતાનો સામનો કરવો પડે છે.
જાફરાબાદ તાલુકાનાં માછીમારો સરકારને કરોડોનું વિદેશી હુંડીયામણ રળી આપે છે. પરંતુ સરકાર ડીઝલ આપવી સબસીડી ચુકવવામાં પણ ઠાગાઠૈયા કરે છે. સરકાર માછીમારોને કોણ જાણે કેવી મદદ કરે છે કે માછીમાર આગેવાનો તગડા બની ગયા છે જ્યારે દિવસ-રત મજુરી કરનાર અને જોખમી દરીયા ખેડનાર મજૂરો દારૂણ ગરીબીમાં સબડી રહ્યા છે.
૮૦૦થી વધુ બોટો દરીયો ખેડે છે
જાફરાબાદ-શિયાળબેટ તથા આજુબાજુનાં ગામોનાં ૮૦૦થી વધુ બોટો કાયમ માટે માછીમારી કરવા જાય છે. આ તમામ બોટોમાં આઠથી દસ મજુરોને રોજીરોટી મળી રહી છે. માછીમારીનો વ્યવસાય અહીં હજારો પરિવારોને રોજીરોટી પુરી પાડે છે.
જાફરાબાદ બુમલા માછલીનું પીઠું
જાફરાબાદનાં દરીયામાં બુમલા માછલી મોટા પ્રમાણમાં મળે છે. બીજા શબ્દોમાં જાફરાબાદ બુમલા માછલીનું પીઠુ છે. જાફરાબાદે બુમલા માછલીનાં મોટા કેન્દ્ર તરીકે નામના મેળવી છે. ગુજરાતનાં દરીયામાં કુલ મળતી બુમલા માછલી પૈકી એકલા જાફરાબાદમાં જ ૩૫ ટકા જેટલી બુમલા પાકે છે.