- બાબરા પંથકમાં ખેડૂતો છ થી આઠ ફુટ ઉંચે રહી પાકનું રક્ષણ કરે છે
બાબરા તાલુકામાં ગ્રામ્ય વિસ્તારોની સીમમાં જંગલી નીલગાય, હરણ અને ભુંડનો ખેતીમાં ત્રાસ સતત વધતો જતો હોય ખેડૂતોને ફરજીયાત વાડીએ રાતવાસો કરવો પડે છે. રાત્રીના સમયે બેટરી દ્વારા પુરા વાડી ખેતર પર નઝર રાખી શકાય તે માટે આ વિસ્તારના ખેડૂતો લાકડાના જાતે ઉભા કરેલા સાત થી આઠ ફુટ ઉંચા મેડાનો ઉપયોગ કરે છે. રાતવાસો કરવા ગયેલા ખેડૂતો આખી રાત આ મેડા પર જાગતા વિતાવી કઠોર મહેનત કરે છે.
બાબરા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ખેડૂતો જે મેડાનો ઉપયોગ કરે છે તે બાવળના થડમાંથી બનાવવામાં આવે છે. મેડાનો પાયો બાવળના થડનો બનાવાઇ છે અને જેમા આડા તથા ઉભા લાકડા બાંધવામાં આવે છે. મેડો બનાવતી વખતે તેની મજબુતાઇ ઉપર ખાસ ધ્યાન આપવામાં આવે છે. મેડાનો પાયો મજબુત બનાવવા બાવળના થડ ત્રણ-ચાર ફુડ ઉંડા ધસાવવામાં આવે છે.
આ મેડા પર ખાટલો પાથરી ખેડૂત રાતવાસો કરે છે. વળી આ એટલો મજબુત બનાવવામાં આવ્યો હોય છે કે મેડા પર ત્રણ થી ચાર વ્યક્તિ આરામથી બેસી શકે છે. મેડાનો સૌથી વધુ ઉપયોગ નાના તથા મધ્યમવર્ગના ખેડૂતો કરે છે. કારણ કે નાના તથા મધ્યમવર્ગના ખેડૂતો પોતાની વાડીએ ઓરડી કે પાકુ મકાન બનાવી શકતા નથી. આ મકાનની સગવડતાના અભાવે તેમણે વાડી-ખેતરના શેઢે ફરજીયાત મેડો બનાવવા પડે છે. ઉભા પાકને બચાવાવ માટે દેશી ઢબના આ મેડાઓ ખેડૂતોના સાચા સાથી બની રહ્યા છે. રાત્રીના સમયે નીલગાય, કાળીયાર તથા અન્ય હરણો કે જંગલી ભુંડ જેવા પશુઓ વાડી-ખેતરમાં ઘુસે તો કલાકોમાં જ પાકને સફાચટ કરી જાય છે.
જેથી ખેડૂતો રાતભર મેડાઓ પર જાગતા રહી બેટરી વડે રખોપુ કરતા રહે છે. મધ્યમવર્ગના ખેડૂતો મોટા કદનો મેડો બનાવતા હોય આ મેડો નાની ઓરડીની ગરજ સારે છે. તેના પર ઘણો ખરો સરસામાન પણ પડયો રહે છે.
પતરાનો ડબ્બો ખખડાવી પશુઓને ભગાડાય છે -
મેડા પર રાતવાસો કરતા ખેડૂતો સાથે મોટો પતરાનો ડબ્બો પણ રાખે છે અને રાત્રે કોઇપણ જંગલી પશુ વાડી-ખેતરમાં ઘુસેલા નઝરે પડે તો પતરાના ડબ્બા સાથે પત્થર અથડાવી મોટો અવાજ કરી પશુઓને ભગાડવામાં આવે છે. આ કીમીયાને કારણે ખેડૂતે મેડા પરથી નીચે ઉતરી પશુ પાછળ દોડવુ પડતુ નથી.