-જુનાગઢમાં ટુંકી બિમારી બાદ આજે બપોરે પ્રાણ છોડ્યા
-ઘડવૈયા મારે પ્રભુ થઈ પુજાવુ અને ભાગુ તો મારી ભોમકા લાજે સહિત લોકપ્રિય ગીતના ગાયકની ચીરવિદાય
-કથાકાર મોરારીબાપુ ,સાહિત્યકાર ભીખુદાન ગઢવી સહિતે અંજલી આપી
-આવતી કાલે અંતિમ યાત્રા
ગુજરાતના ગૌરવ સમા પાશ્વગાયક અને ભજનીક પ્રાણલાલ વ્યાસનું આજે તેમના વતન જુનાગઢ ખાતે નિધન થયું છે. ચાર દાયકાથી વધુ સમયથી ભજન અને ગુજરાત ફિલ્મમાં લોકપ્રિય ગીતો ગાઈને ખ્યાતી પામેલ પ્રાણભાઈએ આજે ટૂંકી બિમારીબાદ પ્રાણ છોડતાં સમગ્ર ગુજરાતે એક કલાકાર ગુમાવ્યો છે.
ભજન, ગઝલ અને ડાયરાના કલાકાર તેમજ ગુજરાતી ફિલ્મોમાં લોકપ્રિય ગીતો ગાનાર પ્રાણલાલ વ્યાસનું આજે સાંજે જુનાગઢ ખાતે નિધન થયું છે. પ્રારંભમાં નાના કાર્યક્રમો કરી લોક સાહિત્યના ડાયરામાં ધીમેધીમે આગળ વધેલા પ્રાણભાઈ વ્યાસ છેલ્લાં ચાર દાયકાથી ગુજરાતી ગીતોમાં અનેરૂ સ્થાન જમાવ્યું હતું. ૧૯૭૫માં બનેલી ગુજરાતી ફિલ્મ શેઠ સગાળસામાં ‘ભાગુ તો મારી ભોમકા લાજે’ અને ‘ચૈલેયાનું હાલરડું’ પ્રાણભાઈએ ગાયું હતું. જે સુપર ડુપર હિટ ગયું હતું.
ચાર દાયકાની આ મંજીલમાં સૌથી વધુ કચ્છમાં પ્રાણભાઈએ સવારસુધી ડાયરા કર્યા છે. આ પછી તો ગોરા કુંભારમાં પ્રભુજી મારે ઠાકોરજી નથી થાવું આ ગીત પણ તેમના કંઠે ગવાયું હતું. અને લોકપ્રિય બન્યું હતું. જ્યારે આ ગાયક કલાકારે આજે વિદાય લેતાં ભજન પ્રેમી અને કથાકાર મોરારીબાપુ, લોક સાહિત્યકાર ભીખુદાન ગઢવી, તબલચી હાજી રમકડું, દીવાળીબેન ભીલ સહિત જુનાગઢના ગાયકો અને પ્રાણભાઈના સાથીઓએ આ સમાચારથી આંચકો અનુભવ્યો છે.
‘દિવ્ય ભાસ્કર’ની મુલાકાત આખરી બની
પ્રાણભાઈની તબીયત અસ્વસ્થ રહેતી હોવાના સમાચાર બાદ ગત ૨૭મી જુને ‘દિવ્ય ભાસ્કરે’ જ્યારે પ્રાણભાઈ તેમનાં નિવાસ સ્થાને મળવા ગયા ત્યારે તેઓના શબ્દોમાં કહીએ તો.... હવે મુલાકાત નહીં જીવન ઝરમર તમારે લખવાની છે. આ શબ્દો જાણે સાચા પડ્યા હોય તેવું ભાસી રહ્યું છે.