કાઠીયાવાડ જીનીંગના લીઝપટ્ટામાં ચર્ચા નહીં મળતા વિપક્ષે ભાગ લીધા વગર સર્વાનુમત્તે ફોરફીટ કર્યો
મહાનગરપાલિકાના અધિકારીઓ દ્વારા લીઝ પટ્ટા અને બી.પી.એલ. કાર્ડમાં કરેલી બેદરકારીઓ બાબતે સાધારણ સભામાં વિપક્ષ સાથે શાસકોએ પણ પ્રહારો કરી અધિકારીઓને પરસેવો છોડાવી દીધો હતો. જ્યારે કાઠીયાવાડ જીનીંગ પ્રેસીંગ ટેક્સટાઇલ કંપનીના લીઝ પટ્ટાને ફોરફીટ કરવામાં કોર્ટ કેસ હોવાથી વિપક્ષે નરોવા-કુંજરોવા રાખતા વિરોધ પક્ષના ભાગ લીધા વગર સવૉનુમતે ઠરાવ મંજુર કરવામાં આવ્યો હતો.
કોર્પોરેશનની આજની સાધારણ સભામાં બી.પી.એલ. કાર્ડમાં ગરબડ ગોટાળાનો કોંગ્રેસના સભ્યોએ પદાઁફાશ કર્યો હતો. રાજેશભાઇ જોષીએ બી.પી.એલ. કાર્ડના છેલ્લા સર્વે અને આર્થિક માપદંડ મુજબ ક્યારે સર્વે કરવો પડેના પ્રશ્ન પ્રત્યુત્તરમાં જ અધિકારી હાથો હાથ આવી ગયા હતા. બી.પી.એલ.નો છેલ્લો સર્વે વર્ષ ૨૦૦૩-૦૪માં થયો હતો. ત્યારબાદ ૨૦૦૬-૦૭માં આર્થિક માપદંડ બદલાતા ત્યારે સર્વે કરવાનો હતો. પરંતુ તંત્રની બેદરકારીથી છેક અત્યારે થયો.
જુના સર્વેમાં ૩૨૦૩૨ લાભાર્થી હતા જ્યારે નવામાં ૪૮૫૨૯ના થયેલા સર્વેમાં ૩૨૩૪૪ બી.પી.એલ. નક્કી થયા. પરંતુ એજન્સીની પણ હદ વગરની ડાંડાઇ છે. કાર્ડની કામગીરી તા.૩૧/૧૦/૨૦૦૯માં પૂર્ણ કરવાની હતી તે કામગીરી સંપૂર્ણ આજ સુધી પૂર્ણ થઇ નથી અને કાર્ડમાં પણ અનેક ક્ષતિઓ ઉપરાંત વિપક્ષના આક્ષેપ મુજબ બેન્કના મેનેજર, પૂર્વ મેયર, ૨૫ હજારના પગારદારોને પણ કાર્ડ અપાયા છે અને જે વાસ્તવમાં ગરીબ છે તેઓને આપ્યા નથી. તેમજ સસ્તી પ્રસિદ્ધી માટે કોર્પોરેશન દ્વારા કાર્ડ વિતરણના કાર્યક્રમનો ખોટો ખર્ચ બંધ કરી શાસકોને લાજવાને બદલે ગાજવાનું બંધ કરવા કહ્યું હતું.
જ્યારે અભયભાઇ ચૌહાણે પણ ક્ષતિઓ અને મોડુ થયાને સમર્થન આપી એજન્સીને છેલ્લા દોઢ વર્ષથી પેમેન્ટ નહી ચુકવાયાનો અધિકારી સમક્ષ ખુલાસો કરાવરાવ્યો હતો. તેમજ વગર ટેન્ડરે અને વગર જાહેરાતે જે- તે સમયે થયેલા નિર્ણય બાબતેના ગુસ્સાને મૌનામાં પરિવર્તીત કર્યો હતો.
તદ્દઉપરાંત વિદ્યાનગર ખાતે આંગણવાડી કેન્દ્રના બાંધકામમાં વિવાદ થતા તે કામ હાદાનગર સ્કૂલની કમ્પાઉન્ડ વોલમાં કરવા બાબતે રાજેશભાઇ જોષીએ દરખાસ્ત પૂર્વ અધિકારીઓ અજાણ હોવા અંગે આડે હાથ લઇ આ વિવાદ શું છે તે (કમિશનરને ઉલ્લેખીને) તમને અને મને બન્નેને ખબર હોવાની માર્મિક ટકોર કરી હતી.
લીઝ પટ્ટામાં ગેરરીતિ માટે પંકાયેલી કોર્પોરેશનના વહીવટને આજે સભામાં ખુલ્લો પડાયો હતો. રૂવાપરી રોડ ફેક્ટરી પ્લોટ નં.એફ/૧૩ રાજકમલ ઇન્ડસ્ટ્રીઝનો લીઝપટ્ટો રિન્યુ કરાવવાની આવેલી દરખાસ્તમાં મુળ માલિક વૃજલાલ નાનચંદ શાહએ ૧૯૮૮માં હર્ષદભાઇ પૌંદાને પાવર ઓફ એટર્ની કરી કોર્પોરેશનનો પટ્ટો બારોબાર વેચી દીધો ત્યારબાદ ૧૯૯૨માં વૃજલાલ શાહે લીઝ રિન્યુ માટે અરજી કરી ત્યારબાદ તા.૯-૯-૨૦૧૧ના રોજ લીઝ રિન્યુ માટે પ્રોપરાઇટર તરીકે હર્ષદભાઇ પૌંદાએ અરજી કરતા સભામાં રહિમભાઇ કુરેશીએ અધિકારીઓની બેદરકારી ખુલ્લી પાડી હતી.
જેથી અધિકારી પણ મુંઝાયા હતા અને પુરતી માહિતી નહી આપી શકતા અભયભાઇ ચૌહાણે પણ લીઝ પટ્ટાની બાબતોમાં અધિકારીઓની બેદરકારી સામે સુચન કરતા મેયરે અધિકારીઓને પુરો અભ્યાસ કરી સભામાં આવવું અને ખોટી માહિતી નહી આપવા તાકીદ કરી હતી.
લીઝપટ્ટામાં ગેરરીતિ આવતા ફોરફીટની થયેલી માંગમાં કમિશનર એ.એસ.પટેલે કેસ અને માઇક હાથમાં લઇ કોર્પોરેશનના ૨૦૦૬ના ૧૦૦ નંબરનાં ઠરાવ મુજબ લીઝપટ્ટો ફોરફીટ કરવાની કોઇ જોગવાઇ નથી તેવું સ્પષ્ટીકરણ કર્યું હતું. જ્યારે વિટકોસનો સીટી બસનો કોન્ટ્રાકટ પાંચ વર્ષ માટે રિન્યુ કર્યો હતો. ઇકબાલ આરબે કરચલીયા પરા અને કણબીવાડમાં પણ સીટી બસ શરૂ કરવાની માગણી કરી હતી.
જ્યારે કાઠીયાવાડ જીનિંગ પ્રેસીંગ એન્ડ ટેક્ષટાઇલ કં.નો વિવાદ છેલ્લા ઘણા વર્ષોથી ચાલે છે. લીઝપટ્ટાને સ્ટેન્ડિંગ કમિટીએ ફોરફીટ પણ કર્યો છે તેમજ અધિકારીઓની બેદરકારી બાબતે ગંભીર થઇ પગલા લેવા સુધી તખ્તો ઘડી કાઢ્યો હતો. ત્યાં પાર્ટી કોર્ટમાં જતાં આજે સભામાં મેયર સુરેશભાઇ ધાંધલીયાએ નિયમાનુસાર ચચાઁની ના પાડી હતી. પરંતુ રાજેશ જોષીએ ચર્ચા વગર નિર્ણય ન થાય તે માટે આ મુદ્દે કોંગ્રેસના સભ્યોનો વિરોધ પણ નહી અને સહમતી પણ દશાઁવી ન હતી.
રાજેશ જોષીએ લીઝ પટ્ટો ફોરફીટ નહીં કરવાનો ૧૦૦ નંબરનો ઠરાવ પ્રથમ રદ કરી ચર્ચા કરાવો ત્યાર બાદ દ્ઢતાથી ફોરફીટ કરવાની માંગણી કરી હતી. પરંતુ કોર્ટ કેસ હોવાથી વિરોધપક્ષના ભાગ લીધા વગર સવાઁનુમતે કાઠીયાવાડનો લીઝપટ્ટો ફોરફીટ કર્યો હતો.
લીઝ હોલ્ડને ફ્રી હોલ્ડમાં ફેરવવા પ ટકા ઘટાડો કર્યો...
કોર્પોરેશનનાં ૨૭૦૦ રહેણાંકી અને ૩૨૦ ઔદ્યોગિક લીઝ પ્લોટને ફ્રી હોલ્ડમાં ફેરવવા ઔદ્યોગિકના જંત્રીના ૩૦ ટકા અને રહેણાંકમાં ૨૦ ટકા પ્રિમીયર વસુલવા દરખાસ્ત કરી પરંતુ મોટી રકમ સાથે કોઇ નહી આવે તેમ ભરતભાઇ બુધેલીયા અને રાજેશ જોષીના સુચન બાદ બન્નેમાં પાંચ-પાંચ ટકા ઘટાડો કર્યો હતો. જો કે મેહુલભાઇ વડોદરીયાએ પાંચથી ૧૦ ટકા રાખવા આગ્રહ રાખ્યો હતો.
૨૦૦૬ના ઠરાવનું મનફાવે ત્યારે અમલીકરણ...
રાજકમલ ઇન્ડસ્ટ્રીઝના લીઝપટ્ટામાં ક્ષતિઓ હોવા છતાં ૨૦૦૬ના ૧૦૦ નંબરના ઠરાવ મુજબ લીઝપટ્ટો ફોરફીટ કરવાની કોઇ જોગવાઇ નહી હોવાનું કમિશનરે જાહેરમાં સ્વીકાયું હતું. જ્યારે કાઠીયાવાડ જીનિંગમાં રાજેશ જોષીએ એવી દલીલ કરી કે તો પછી કાઠીયાવાડ ૧૦૦ નંબરનો ઠરાવ કેમ લાગુ પડે નહી ? પરંતુ કોર્ટ કેસ હોવાનું કહી સભાએ ફોરફીટ કર્યો હતો.
૧૫ ડિસેમ્બરથી BPLનો નવો સર્વે શરૂ થશે...
બી.પી.એલ.કાર્ડમાં અનેક ક્ષતિઓ અને સાચા લાભાર્થીઓ રહી જવાનો સભામાં હોબાળો મચતા આગામી ૧પમી ડિસેમ્બરથી બી.પી.એલ.નો નવો સર્વે શરૂ થનાર હોવાનું કમિશનર પટેલે જણાવ્યું હતુ. જેમાં તમામ મુદ્દા ધ્યાનમાં રાખવાની ખાત્રી આપી હતી.
મોતીતળાવનો લીઝ પ્લોટની પાર્ટીને ત્રણ દિવસમાં કોર્ટ કેસ પાછો ખેંચવાનું કહી લીઝ રિન્યુ કરવાના ઠરાવ છતાં તેનું અમલીકરણ નહી કરતા કમિશનરે રહિમભાઇ કુરેશીને સભ્યો અને ચાલી આવી માહિતીઓ આપવાનું કહેતા મેયર લાલઘૂમ થઇ ગયા હતા અને આ કામગીરી સભ્યોની નહી અધિકારીઓની છે. અધિકારીઓ કામ કરતા નથી. સભામાં ખોટા જવાબ આપે છે. જેથી અધિકારીની જવાબદારી ફિકસ કરવા અને કમિશનર પગલા લેવા મેયરે રૂલીંગ આપતા સભા સ્તબ્ધ થઇ ગઇ હતી.