સાર્વત્રીક મેઘ મહેર : અમરેલી-બાબરામાં બે ઇંચ

જિલ્લાનાં જુદા જુદા વિસ્તારોમાં અડધાથી બે ઇંચ વરસાદ પડતા જનહૈયા હરખનાં હીલોળે ચઢ્યાં વડીયા, ખાંભા, લીલીયા, લાઠી સહિતના વિસ્તારોમાં ધરતીમાં પાણી સીંચતા મેઘરાજા
ઉપરવાળાએ આખરે જાણે લોકોની વિનવણી સાંભળી હોય તેમ આજે પણ અમરેલી જીલ્લાના જુદા જુદા વિસ્તારમાં અડધા ઇંચથી લઇ બે ઇંચ સુધી વરસાદ ખાબકી જતા જનહૈયા હરખના હીલોળે ચડ્યા છે. આજે બાબરા અને અમરેલી વિસ્તારમાં મેઘમહેર ઉતરી આવતા બન્ને સ્થળે બે-બે ઇંચ વરસાદ પડી જતા કાગડોળે વરસાદની રાહ જોતા લોકોએ હાંશકારો અનુભવ્યો છે. આવી જ રીતે લીલીયામાં પણ દોઢ ઇંચ વરસાદ ખાબક્યો હતો. વડીયા-ખાંભામાં એક, તથા લાઠી-સાવરકુંડલામાં અડધા ઇંચ વરસાદથી ચોમાસુ હવે રહી રહીને જામી રહ્યુ હોવાનો અહેસાસ થઇ રહ્યો છે.
પાછલા કેટલાય દિવસોથી અમરેલી જીલ્લામાં ખેડૂતો સાર્વત્રીક મેઘમહેર માટે ઉપરવાળાને લાખ લાખ વિનવણીઓ કરી રહ્યા હતાં. કથા, અખંડ રામધુન, હોમ, હવન, કુતરાને લાડુ, ગાયોને ચારો, બ્રહ્મભોજન, માનતાઓ કે ગામ બંધ, પદયાત્રા જેવા અનેક કાર્યક્રમો યોજી કુદરત મહેરબાની કરે તેવી લોકો માંગણી કરી રહ્યા હતાં. લોકોની વિનવણી કુદરતે જાણે કાને ધરી હોય તેમ ચાર દિવસથી ચાલી રહેલી મેઘસવારી આજે અમરેલી જીલ્લામાં અનરાધાર વરસી પડી હતી.
બાબરામાં આજે મોડી સાંજે ધોધમાર વરસાદ તુટી પડ્યો હતો. રાત સુધીમાં અહિં બે ઇંચ પાણી પડી જતા વાડી ખેતરોમાંથી નીકળેલુ પાણી નાળા-વોકળા વાટે નદીમાં વહેવા લાગ્યુ હતું.
ગઇકાલે પણ બાબરામાં એક ઇંચ વરસાદ પડી ગયો હોય બે દિવસ સતત મેઘમહેરને પગલે જગતના તાતે હાંશકારો અનુભવ્યો છે. આજના વરસાદને પગલે કાળુભાર નદીમાં પુર આવ્યુ હતું. આવી જ રીતે અમરેલીમાં આખા દિવસના ઉકળાટ બાદ રાત્રે અનરાધાર મેઘસવારી આવી પહોંચી હતી અને દોઢ કલાકમાં બે ઇંચ વરસાદ વરસી જતા શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતાં. શહેરના માર્ગો પર પાણી દોડતા જોઇ નગરજનો હરખાયા હતાં.
લીલીયા પંથકમાં ઢળતી સાંજે ધોધમાર વરસાદ તુટી પડ્યો હતો. આ વિસ્તારમાં આકાશમાંથી દોઢ ઇંચ પાણી વરસી જતા તરસી ધરા તૃપ્ત થઇ હતી. માલઢોર માટે ઘાસચારાનો પ્રશ્ન હળવો થશે જેને પગલે માલધારીઓ રાજી થયા હતાં. આજે વડીયામાં પણ એક ઇંચ વરસાદ પડ્યો હતો. આવી જ રીતે ખાંભામાં પણ એક ઇંચ વરસાદ પડી જતા ધરતીપુત્રો ખુશ થયા હતાં. જીલ્લાભરમાં આખો દિવસ ઉકળાટ વચ્ચે લાઠી, સાવરકુંડલામાં પણ અડધો અડધો ઇંચ વરસાદ થયો હતો. ધારીમાં સવારે સાત મીમી વરસાદ પડ્યો હતો. સાવત્રીક મેઘ મહેરને પગલે કપાસ અને માંડવીના પાકને ફાયદો થશે પરંતુ સૌથી મોટી રાહત એ છે કે ઘાસચારાનો પ્રશ્ન ઘણા અંશે હળવો બનશે.
અમરેલી જીલ્લામાં ગઇકાલે અગીયાર પૈકી આઠ તાલુકામાં વરસાદ વરસ્યા બાદ આજે સવારે ધારી, ખાંભા અને બાબરામાં ઝાપટા વરસ્યા હતાં. જો કે બપોર ચડતા સુધીમાં આકાશ ચોખ્ખુ થઇ ગયુ હતું અને તડકો પણ નીકળ્યો હતો. આજે આખો દિવસ ભારે ઉકળાટ અનુભવાયા બાદ સાંજે ફરી જીલ્લાના જુદા જુદા વિસ્તારોમાં મેઘ મહેર થઇ હતી.
નદીઓમાં પાણી વહેવા લાગ્યા
આજના વરસાદના પગલે બાબરાના પાદરમાં આવેલી કાળુભાર નદીમાં ભારે પુર આવ્યુ હતું. જેને પગલે તળના પાણી ઉંચા આવશે તેવી લોકોને આશા બંધાઇ હતી. ગઇકાલના વરસાદને પગલે અમરેલીના નાના માચીયાળામાં ઠેબી નદીમાં પુર આવતા ચેકડેમો છલકાઇ ગયા હતાં. તો બીજી તરફ બાબાપુરના ઉપરવાસમાં પડેલા વરસાદને પગલે સાતલડી નદીમાં પણ પુર આવ્યુ હતું.






