- સંવેદનશીલતા એ નબળાઈ નહીં પણ તમારી શક્તિ છે
- પત્નીને પુરતો પ્રેમ નહી આપો તો તે જડ બની જશે
તારા વીના હું હવે ભાનમાં નથી,
મારો જ પડછાયો મારા મકાનમાં નથી.
સ્વપ્નોમાં કેટલી સાચવી’તી મેં તને ?
આજે સ્વપ્ન પણ આંખોની બાનમાં નથી.
બિઝનેસમાં કર્મચારીઓ ને શિસ્તમાં ભલે રાખો પણ તેની સાથે ભાવાત્મક એકતા પણ કેળવો તો કંપનીને વધારે ફાયદો થશે.
મેનેજમેન્ટ ગુરૂઓનુ માનવુ છે કે ધંધામાં નફો ભલે કરો પણ નફો મેળવવા જતા સાવ માનવતા કે સંવેદના વિહોણા નહીં બનતા તો લાંબા ગાળે ધંધાને ફાયદો થશે.
સંસારમાં દામ્પત્ય જીવનમાં સંવેદનશીલતા અને લાગણી ખૂબજ જરૂરી છે. પતિ-પત્ની વચ્ચે ભાવાત્મક એકતા કેળવવા માટે હંમેશા એકબીજાની લાગણીની આળપંપાળ કરો.
એક યુવતીએ કહ્યું, ‘મારા પતિને મારા લાગણીવેડા જરાય નથી ગમતા એને તાવ આવે કે દાંત દુ:ખે ત્યારે હું સ્હેજ લાગણીથી ચિંતા કરૂ તો મારી પર ખીજાય જાય છે. બીજી બધી રીતે મારૂ ખૂબ સરસ ધ્યાન રાખે છે પણ સ્વભાવે અંતર્મુખી છે એટલે તેમની લાગણી પ્રદર્શિત પણ નથી કરતા અને મારી લાગણી દર્શાવુ તો તે તેમને ગમતુ પણ નથી.’
દામ્પત્ય જીવનમાં લાગણીની ભીનાશ ન ભળે તો પતિ-પત્ની વચ્ચેનો પ્રેમ સુકાય જાય છે. મુરઝાઈ જાય છે.
તમારા પતિ એવું માનતા હોય કે સંવેદનશીલતા કે લાગણી એ નબળાઈ છે તો તે તેની ભૂલ છે. લાગણીવેડા એ નબળાઈ નહીં પણ માણસની આંતરીક શક્તિ છે જે તમને નવેસરથી જીવવાનું બળ પુરૂ પાડે છે.
પતિનો સ્વભાવ અંતર્મુખી હોય તો તેની લાગણીનો ધોધમાર વરસાદ થાય તે પત્ની માટે ચેલેન્જ છે અને એ માટે તમે બને
તેટલું વધારે લાગણીનું ઈન્વેસ્ટમેન્ટ કરશો તો પતિની સંવેદનાનો સેન્સેક્સ ધીરેધીરે ઊંચો જશે જ.
તમે તમારી પત્નીના લાગણીના ઝરણાને ખળ ખળ વહેવા નહીં દયો તો તે જડ બની જશે. માટે એની ભાવનાને સમજી એને ભરપુર પ્રેમ આપો. નાની નાની બાબતોમાં પણ તેની કાળજી લ્યો. દુનિયામાં સંપતિ-ધન-યશ-હોદ્દો-સત્તા એ બધા સુખ ગૌણ છે અને આ બધા સુખ હોવા છતાં પણ જો ઘરમાં શાંતિ ન હોય તો આ બધા સુખનો સરવાળો શૂન્ય છે.
તમે તમારી પત્નીની લાગણીની કદર કરતા જ હશો અને સામે ખુલીને તમે પણ સ્નેહની સરવાણી વહાવતા હશો.
પણ જો એમાં ક્યાંય ત્રૂટી હોય તો તુરત સુધારી લેજો કારણ કે લાગણીશૂન્ય મહિલાની કલ્પના પણ ખતરનાક છે તો વાસ્તવિકતા કેવી ભયાનક હોય? અન્ય સજીવો કરતા મનુષ્ય એકજ બાબતે જુદો પડે છે કે તેનામાં સંવેદના છે. તમે શ્રેષ્ઠ સંવેદનાસભર
મનુષ્ય બનો તો જિંદગી જીવવા જેવી લાગશે ગેરેંટીથી....
બ્રેક ફાસ્ટ :
ગાઈડ : આ અમેરિકાનો સુપ્રસિદ્ધ નાઈગરાનો ધોધ છે. અહીં ઉપરથી પડતા પાણીનો અવાજ બે કિ.મી. સુધી સંભળાય છે. પ્લીઝ બહેનો હવે તમે શાંતિ રાખો તો આપણે ધોધનો અવાજ સાંભળી શકીએ.
(પ્રેષક : દીપ્તિ શાહ (ભાવનગર)