કારમાં ડિઝલ પુરાવી પૈસા ન આપી ટ્રકચાલકને ધમકી આપી રૂ.૫૦૦ની લૂંટ કરી દૂધરેજ પાસેથી બન્ને આરોપીઓ દારૂ પીધેલી હાલતે ઝડપાયા
ધ્રાંગધ્રા - અમદાવાદ બાયપાસ ઉપર રાત્રિના સમયે બે ઉચ્ચઅધિકારીના પુત્રો કારમાં ડીઝલ પુરવા માટે પેટ્રોલ પંપે આવ્યા હતાં. અને પૈસા નહીં આપી બોલાચાલી કરી ટ્રકચાલકને ધમકી આપી રૂ.૫૦૦ની લૂંટ કરીને કારમાં ભાગી છુટયા હતાં.આ બનાવની પોલીસને જાણ થતા જિલ્લામાં નાકાબંધી કરી દેતા પોલીસે દૂધરેજ પાસેથી બંને આરોપીઓને દારૂ પીધેલી હાલતમાં ઝડપી પાડ્યા હતાં.
ગતરાત્રિના સમયે સ્વિફટ કારમાં બે શખ્સો આવી ડીઝલ ભરાવ્યું હતું અને પૈસા નહીં આપી ધમાલ કરી હતી. આ બંને આરોપીઓએ એક ટ્રકને ઊભો રખાવી ટ્રકચાલકને ધમકી આપી, પાસેથી ૫૦૦ રૂપિયાની લૂંટ ચલાવી હતી.
ધ્રાંગધ્રા તાલુકા પોલીસે આ બનાવની જાણ સુરેન્દ્રનગર પોલીસને કરતા જિલ્લામાં પોલીસે નાકા બંધી કરી દીધી હતી. દૂધરેજ પાસે પોલીસે આડ રાખી આરોપીઓની કાર રોકતા બે શખ્સો ચિક્કાર દારૂ પીધેલી હાલતમાં મળી આવ્યા હતાં. આ બંને શખ્સોને ધ્રાંગધ્રા તાલુકા પોલીસે ઝડપી પાડતા પૂછપરછ કરતા પિતાનો ઉચ્ચ હોદ્દાનો રોફ જમાવ્યો હતો. પણ પોલીસે લાલ આંખ કરતા વિશ્વજીતભાઈ સાગરદાનભાઈ જીલા (ગઢવી) અને પાર્થભાઈ મુકેશભાઈ રત્નુ (ગઢવી)ને ઝડપી પાડી ધ્રાંગધ્રા પોલીસમાં લૂંટનો ગુનો નોંધવામાં આવ્યો હતો.
દારૂ પીધેલી હાલતમાં ઝડપાયેલા વિશ્વજીતના પિતા સાગરદાનભાઈ જીલા રાજપીપળા ખાતે ડેપ્યુટી કલેક્ટર તરીકે ફરજ બજાવે છે. જ્યારે પાર્થના પિતા મુકેશભાઇ રત્નુ ભાવનગરમાં જિલ્લા શિક્ષણાધિકારી તરીકે ફરજ બજાવે છે.