સરકાર દ્વારા ફાળવાયેલા ખાંડ અને તેલનો જથ્થો લાભાર્થીને મળે તે માટે તંત્રની દોડધામ
પર્વ નિમીત્તે રેશનીંગની દુકાનો પર વિતરણ કરાતી ચજિવસ્તુઓમાં દુકાનદારો ગેરરીતિ આચરતા હોવાની ફરિયાદ ઉઠતા પુરવઠા વિભાગની ટીમોએ જિલ્લાભરમાં તપાસ હાથ ધરી છે.
સાતમ-આઠમના પર્વ નિમિત્તે સરકારે રેશનકાર્ડ ધારકોને તેલ અને ખાંડ રાહતભાવે વિતરણ કરવાની વ્યવસ્થા ગોઠવી છે. સરકાર ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને મદદરૂપ થવાના હેતુસર રાહતભાવે ચજિવસ્તુ વિતરણ કરે છે. પરંતુ તેનો લાભ મૂળ લાભાર્થી સુધી પહોંચતો જ નહીં હોવાની વ્યાપક ફરિયાદ ઉઠવા પામી હતી. રાહતભાવનો જથ્થો દુકાનદારો બારોબાર વેચી મારતા હોવાનું પણ તંત્રને ધ્યાને આવ્યું હતું.
જે અંગે જિલ્લા પુરવઠા વિભાગની ટીમોએ શહેર અને જિલ્લામાં રાઉન્ડ લઈ દુકાનો પર વોચ રાખવાની કાર્યવાહી હાથ ધરી છે. જેથી આગામી દિવસોમાં કાર્યવાહીનું પરિણામ જોવા મળશે. તદ્દ ઉપરાંત તહેવાર ટાણે દુકાનો ખુલ્લી છે કે બંધ તેની પણ તપાસ હાથ ધરતા રેશનીંગના દુકાનદારોમાં ફફડાટ ફેલાયો છે.