કોરા કાગળમાં કંઈક આમ લખુ છું, મોગરાના તેજને પણ શ્યામ લખું છું, ઊડી ન જાય સુવાસ તારી, એટલે બંધ એકાંતમાં પણ નામ લખુ છું.
બિઝનેસમાંસફળતાનો આધાર આયોજન પર છે જો તમારૂ આયોજન જ પુરતી ચોકસાઈ વગરનું હોય તો તમને ઈચ્છીત સફળતા મળતી નથી.
મેનેજમેન્ટ ગુરૂઓનું માનવું છે કે ધંધામાં આયોજન એ મકાનના પાયા જેવું છે. મકાનમાં જો પાયો નબળો રહી ગયો હોય તો તમે ગમે તેટલા માળ ચણો તેનો કોઈ અર્થ રહેતો નથી તે રીતે ધંધામાં આયોજનપૂર્વકના પગલા લેવામાં આવે તો જ ધંધાનો વિકાસ શક્ય બને છે.
સંસારમાં તમારા જીવનસાથીના અને તમારા તમામ વિચારો એકમત હોય જ તેવું નથી. આવુ હોય ત્યારે જીવનસાથીના તમારા મતથી અલગ પડતા અભિપ્રાયનો પણ આદર કરો.
એક મહિલાએ કહ્યું, ‘લગ્ન કર્યા એટલે અમે તો જાણે ગુલામ. શરિરના જ નહીં પણ મનના પણ ગુલામ. મારા પતિનો જે અભિપ્રાય હોય તેને હું આદર આપુ છું પણ મારો અભિપ્રાય જુદો ન હોય શકે ? આ પિકચર જોવા જવું કે આ રેસ્ટોરન્ટમાં જવું જેવી નાની બાબતોમાં પણ કાયમ સરમુખત્યારશાહી જ ચલાવવાની ? માત્ર મારી વાત નહીં અમારા સમગ્ર મહિલા સમાજની આ દશા છે. પુરૂષો મહિલાઓના અભિપ્રાયને પણ આદર આપતા ક્યારે થશે ? અમે એવું નથી કહેતા કે અમારા કહ્યા પ્રમાણેજ કરો પણ કમસેકમ અમને બોલવાનો તો મોકો આપો. તમે લખ્યા કરો છો કે જીવનસાથીને બહુ પ્રેમ કરો અરે જે માણસ અમને બોલવા પણ ન દે એમને કેવી રીતે પ્રેમ કરીએ ? આ ગુલામીમાંથી છુટવા હું શું કરૂં ?
જીવનમાં પતિ-પત્ની બન્નેનાં અલગ અભિપ્રાય રહેવાના જ અને મોટેભાગે આવું હોય છે ત્યારે જ સંસારરથનું ગાડુ વ્યવસ્થિત ચાલે છે.
કારણ કે પત્ની કરતા ભિન્ન મત ધરાવતો પુરૂષ પોતાનું ધાર્યું કરે ત્યારે તે તેના અહંને પણ સંતોષ આપે છે.
પતિ-પત્ની વચ્ચે વિચારભેદ હોય તો તેમાં કશું ખોટુ નથી. પણ વિચારભેદની ખાઈ દૂર કરવા માટે તમે તમારી પત્નીનો અભિપ્રાય લેશો તો જ તેનો દ્રષ્ટીકોણ જાણી શકશો અને તો જ આ વિચારભેદને દૂર કરવા માટેના પગલા લઈ શકશો.
બેટરહાફમાં રહેલી વૈચારિક ભિન્નતાને સ્વીકારો ભલે નહીં પણ એનો આદર જરૂર કરો. તમારા મત કરતા જુદો મત ધરાવતી પત્ની બોલે કે તરત જ ‘તને આમાં ખબર ન પડે’ એમ બુમો ન પાડૉ.
એકબીજાના વિચારો મેળ ન ખાય છતાં પ્રેમના તાંતણે બંધાયેલા રહેવા માટે એકબીજાના વિચારોને આદર આપતા શીખો.
‘અમારા ‘એ’નો સ્વભાવ મારા કરતા સાવ અલગ’ એવું તમે બોલો તેનો કશો વાંધો નથી. પણ આ બોલતી વખતે જીભમાં કડવાશ નહીં પણ મીઠાશ હોવી જોઈએ. તમારી પત્નીને પણ મહત્વના નિર્ણયો લેતા પહેલા અભિપ્રાય પૂછો અને આવી બાબતોમાં તમારા બન્નેનો મત જુદો પડતો હોય તો નિખાલસ બની બન્ને એક-બીજા સાથે એ અંગેની ચર્ચા પણ કરો.
જીવનમાં જ્યાં સંવાદ હશે ત્યાં સ્નેહ હશે અને જ્યાં સ્નેહ હશે ત્યાં પ્રેમનું ઝરણું ખળખળ વહેતું હશે અને જ્યાં આવું પ્રેમનું ઝરણુ વ્હેતું હશે ત્યાં આપોઆપ એકબીજાના વિચારોને આદર અપાતો હશે જ. અને આવુ થાય ત્યારે જિંદગી જીવવા જેવી લાગશે ગેરેંટીથી...
બ્રેક ફાસ્ટ
વેલેન્ટાઈન ડેના કાર્ડ ખરીદવા ‘કાર્ડ શોપ’ પર ગયેલી એક યુવતીએ દુકાનદારને પૂછયુ, ‘તમારી પાસે કોઈ એવું કાર્ડ છે જેના પર લખ્યું હોય કે, ‘તુ જ મારો પહેલો અને અંતિમ પ્રેમ છો મારા જીવનમાં તારી સિવાય બીજુ કોઈ નથી.’ દુકાનદારે કહ્યું, ‘હા છે ને...’ એટલે યુવતીએ કહ્યું, ‘બસ આ લખાણવાળા એક ડઝન કાર્ડ મને બાંધી આપો.’ (પ્રેષક : દેવેન શાહ (ભાવનગર)
- તારક શાહ