- જે ઘરમાંથી ધીરૂભાઇએ નીકળી ‘દુનિયા’ જોઇ એ ઘર જોશે હવે ‘દુનિયા’ - ધીરૂભાઇનાં આ ડેલામાં હવે તેઓનાં જીવનની તડકી-છાંયડી તાદ્રશ્ય થશે
- બન્ને તરફ ફોટો ગેલેરી, એકમાં કુટુંબ અને બીજી તરફ કોર્પોરેટ સિદ્ધી
- એ ફાનસ, એ તાંબાનો બંબો, રસોડામાં તાંબા-પિત્તળનાં જૂના વાસણો અને બાળપણમાં બા તથા બહેનને ઘરકામમાં મદદ માટે જેમાંથી પાણી ભરી લાવતા કુવાથી માંડીને ‘કરલો દુનિયા મુઠ્ઠી મે’ સુધી લોકો નિહાળી શકશે
સપના જોવાની હિંમત હોય તો જીતવા માટે આખી દુનિયા પડી છે અને જેમણે સપના જોયા અને પુરૂષાર્થથી સાકાર કર્યા એવા ધીરૂભાઇ અંબાણીએ જે ડેલામાંથી બહાર પગ મૂકી દુનિયા જોઇ હતી તે ઘર હવે તેની સ્મૃતિરૂપે દુનિયા નિહાળશે. આવું જ છે ધીરૂભાઇ અંબાણી મેમોરીયલ હાઉસમાં તેઓની સંઘર્ષયાત્રાથી માંડી કોર્પોરેટ જગતની સફળતા સહિત તાદ્રશ્ય થશે.
ચોરવાડ જેવા નાનકડા ગામમાં ધીરૂભાઇનો આ ડેલો આજથી જીવનયાત્રાની ઝલકસમો મેમોરીયલ હાઉસમાં પરિવર્તીત થયો છે. અહીં પ્રવેશતા જ આકર્ષક ગાર્ડન, ડોરમેન્ટી અને સપના જોવામાં હિંમત હોય તો જીતવા માટે આખી દુનિયા પડી છે તેવા લખાણ સાથેની વિશાળ કદની ત્રણથી વધુ ધીરૂભાઇની તસ્વીરો રખાઇ છે. જ્યારે પ્રવેશતા લાંબી પરશાળની એક તરફ કૌટુંબીક અને બીજી બાજુ કોર્પોરેટ જગતની સિદ્ધિઓ અંગ્રેજી-ગુજરાતીમાં લખાણ સાથેની દર્શાવતી ફોટોગેલેરી તૈયાર કરાઇ છે.
લીલી નાઘેરનાં આ પ્રદેશમાં ચોરવાડનાં આ માદરેવતનમાં ધીરૂભાઇનું જ્યાં રહ્યાં છે તે જગ્યા મોટેબાગે યથાવત રાખી છે. અને તેમાં પ્રવેશો તો સરસ મજાનો બેઠકખંડ જેમાં ભારતીય બેઠક અંદર દંપતિ અને પરિવારની તસ્વીરો બાજુમાં જૂનું એ રસોડું જેમાં તાંબા-પિત્તળનાં વાસણો સાથે એક અન્ય રૂમ જેમાં જુના પટારા, બેગ, એ સમયનું ફાનસ નજરે પડ્યા વગર રહેતું નથી.
આ બધામાં મેમોરીયલ હાઉસ તૈયાર કરતી વખતે જેના પર વિશેષ ધ્યાન રખાયું છે તે બા તથા બહેનને ઘરકામમાં પાણી સીંચીને લાવતા તે તે કૂવો અલાયદો રખાયો છે. બહાર પરશાળમાં નીકળો તો પહેલાના જમાનાના તાંબાનો એ ગરમ પાણીનાં બંબાએ પણ સ્થાન જમાવ્યું છે.
આ બધુ નિહાળ્યા પછી તમે આ મેમોરીયલ હાઉસનાં વાતાનુકૂલિત એડિટોરીયમ જશો તો તુરંત જ અંગ્રેજીમાં કોકીલાબેનનું પ્રાસંગિક અને ત્યાર પછી ચોરવાડનાં સમુદ્રનો ઘુઘવાટ, જુનાગઢમાં આઝાદીની લડતમાં તેઓની કામગીરી, જુનાગઢની મોઢ વણિક બોડિ·ગ એડન, મુંબઇ, કુટુંબ પરિવાર અને આખુ રીલાયન્સ ટૂંકી ફીલ્મમાં બધું જ જોવા મળી જશે.
આજે પણ કોકીલાબેનની આંખમાં આંસુ
ગત ૨૮મી ડિસે. કથાકાર રમેશભાઇ ઓઝાનાં હસ્તે આ મેમોરીયલ હાઉસનું ઉદ્દઘાટન થયું ત્યારે સમગ્ર અંબાણી પરિવાર ભાવવિભોર બન્યો હતો. આજે કોકીલાબેનની આંખમાં આસું દેખાયા વગર રહી શક્યા ન હતા.
ફદીયા ફદીયા શું કરો છો
મેમોરીયલ હાઉસમાં ચોરવાડનાં એ સમયની તસ્વીર સાથે લખાયું છે કે, ધીરૂભાઇએ તેમના પિતાને જ કહેલું કે, ફદીયા ફદીયા શું કરો છો એક દિવસ ફદીયાનો ઢગલો કરી દઇશ અને એ શબ્દો તેમણે અઢળક સંપતિનું સર્જન કરી બતાવ્યું છે.
પિતાને પગલે.. દોસ્ત જેવા દીકરા
ધીરૂભાઇ સાથે મૂકેશ-અનીલની તસ્વીરમાં એવું સૂચિતાર્થ કર્યું છે કે, પિતાને પગલે ચાલનારા આ બન્ને ભાઇઓ વચ્ચે મિત્ર જેવી દોસ્તી છે.
મુંબઇની ચાલીનો ફ્લેટ જોતા આશ્ચર્ય ?
૧૯૫૮માં ભારત આવ્યા બાદ મુંબઇમાં ધીરૂભાઇની રહેવાની ગોઠવણ એક સંબંધીનાં ફ્લેટમાં થઇ હતી. ભૂલેશ્વરનાં ગીચ વિસ્તારમાં આવેલા મકાનનું નામ ‘જય હિન્દ એસ્ટેટ’ હતું. આ જ રીતે ધીરૂભાઇએ રીલાયન્સ કોમર્શિયલ કોર્પોરેશન નામે બીઝનેસ કર્યો ત્યારે એક ટેબલ, એક ટેલીફોન જેમાં એક ડોક્ટર અને ધીરૂભાઇ બેસી બન્ને અલગ અલગ વ્યવસાય ચલાવતા હતા એ મેમોરીયલમાં બતાવ્યું છે.
તમામ તસ્વીરો મિલાપ અગ્રાવત