પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી ભાવનગરમાં થવાની છે ત્યારે કોંગ્રેસ પક્ષ દ્વારા કરાયેલા શાબ્દિક પ્રહાર
રાજ્ય સરકાર દ્વારા આગામી ૨૬મી જાન્યુઆરીથી ઉજવણી ભાવનગર ખાતે કરાનાર હોવાની જાહેરાત કરાતા ઉજવણી માત્ર ઉજવણી ન બની રહે અને હકિકતમાં ઉજવણી નિમિત્તે કરાયેલ જાહેરાતોને અમલ કરવા કોંગ્રેસ પક્ષ દ્વારા માંગણી કરાઈ છે.
આગામી ૨૬મી જાન્યુઆરીની રાજ્ય કક્ષાની ઉજવણી ભાવનગરમાં કરાનાર હોવાની રાજ્ય સરકાર દ્વારા કરાયેલ જાહેરાત સંદર્ભે રાજ્ય સરકાર માત્ર ઉજવણી કરીને ઉજવણી નિમીત્તે કરાયેલી જાહેરાતનો અમલ થયો છે કે કેમ તે ભૂલી જાય છે ગુજરાત રાજ્યના સ્થાપના દિનની ઉજવણી ભાવનગર ખાતે કરવામાં આવી ત્યારે શહેર-જિલ્લાના વિકાસ માટે આયોજનની અનેક જાહેરાતો સરકારે કરી છે પણ એકપણ યોજનાનો અમલ થયો નથી.
શહેરમાં લોકોને એક વર્ષમાં ઘરે-ઘરે નળની ચકલી ખોલે તેમ પાઈપ લાઈન દ્વારા ગેસ આપવાની વાત, ગંગાજળીયા તળાવને એક ફરવા લાયક સ્થળ બનાવવાની જાહેરાત, આવી તો અનેક જાહેરાતો કરીને શહેરનાં લોકોને ગાજર બતાવવામાં આવ્યા હતાં પણ એક પણ યોજના અમલમાં આવી હતી ત્યારે રાજ્ય સરકાર અગાઉ કરેલી જાહેરાતોની અમલવારી કરે તે માટે પગલાં ભરવા ભાવનગર શહેર-જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા માંગણી કરાઈ છે. અને સરકારે શહેર-જિલ્લાનાં વિકાસ માટે કરેલી જાહેરાતો અને તેનાં અમલ માટે લેવાયેલ પગલાઓનું શ્વેતપત્ર જાહેર કરવા પણ માંગ કરી છે.