પોતાની મુર્ખામીને કારણે છેતરપિંડીનો ભોગ બનેલ વ્યક્તિ શરમ અનુભવતા હોય ફરિયાદ કરતા નથી
શહેર-જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે ભાવનગર પોલીસ દ્વારા અથાગ પ્રયત્નો થઇ રહ્યા છે અને તેમાં આંશિક સફળતા પણ મળી છે. તે સાથે ક્રાઇમ કરનારા પણ નીતનવા નુસ્ખા અજમાવી રહ્યા છે. જેમાં વધુ એક ઉમેરો સાયબર ક્રાઇમનો થવા પામ્યો છે.
દુનિયા ઇલેક્ટ્રોનિક્સ ક્ષેત્રે જેમ જેટ ગતિએ આગળ વધી રહી છે તેની સાથે ગુનેગારો પણ પાછળ રહેવા ન માંગતા હોય તેમ તમામ પ્રકારના ઇલેક્ટ્રોનિક્સ સાધનો વડે લોકો સાથે છેતરપિંડી સહિતના જુદા-જુદા પ્રકારના ગુનાઓ આચરવામાં આવી રહ્યા છે. હાલે ગુનેગારો દ્વારા સાયબર ક્રાઇમમાં સતત વધારો નોંધાયો છે. જેને પકડવામાં પોલીસના હાથ હેઠા પડી જાય છે.
આ અંગે માહિતી આપતા એએસપી પ્રદીપ સેજૂળે જણાવ્યું હતુંં કે, છેલ્લા છ માસમાં ભાવનગરમાં મારી પાસે માત્ર આઠ જ સાયબર ક્રાઇમની ફરિયાદ આવી છે. જોકે તેમાં પણ મોટાભાગના ફરિયાદીઓએ પોતાનુ નામ જાહેર ન થાય તે અંગે પોલીસ અધિકારીને રીકવેસ્ટ કરી હતી.
વધુમાં અધિકારીએ એવું પણ જણાવ્યું હતું કે, ભાવનગર પંથકમાં છેલ્લા છએક માસમાં ૫૦ થી વધુ સાયબર ક્રાઇમના બનાવો બનવા પામ્યા હશે. પરંતુ તે અંગે ભોગ બનેલા લોકો ફરિયાદ કરવા આગળ આવતા નથી. કારણ કે, તેઓ એકતો છેતરપિંડીનો ભોગ બન્યા હોય છે. તેથી પોતાની મુખૉમી સમાજ સામે ન આવે અને પોતાને ક્ષોભ ન થાય તે માટે છેતરાયા હોવા છતાં આ અંગે પોલીસ ફરિયાદ કરવાનું ટાળે છે.
છેલ્લા છ માસમાં ભાવનગર પોલીસે સાયબર ક્રાઇમના ચાર ગુના ઉકેલ્યા છે. પરંતુ તે ગુના ઇન્ડિયા બહારના વિદેશના હોવાથી તેની વિશેષ તપાસ ઇન્ટરપોલ દ્વારા કરાતી હોય છે.
ખરેખર જેમ કોઇના ઘરમાં ચોરી થાય અને તેની જાણ તુરંત જ પોલીસને કરવામાં આવે છે તેમ સાયબર ક્રાઇમના ઠગાઇનો ભોગ બનેલ વ્યક્તિએ શરમ
રાખ્યા વગર તુરત જ પોલીસને જાણ કરવી.
ભાવાગરમાં ખાનગી બેંકોમાંથી ખાતા હેક કરી દેવાય છે. જેની ખાતેદારોને ખબર પડતી નથી ઉપરાંત ફ્રેન્ડસ ગ્રુપ બનાવવાના નામે વિદેશમાંથી ફોન આવે છે અથવા મેઇલ આવે છે અને લલચામણી વાતો કરી લોકોને ફસાવાય છે. ફોરેનમાંમોટા પગારની નોકરી આપવાની લાલચ અપાય છે. જે માટે અમુક સિક્યુરીટીની રકમ એડવાન્સ મંગાવાય છે અને તે જે તે વ્યક્તિના ખાતા નંબરમાં જમા કરવા જણાવાય છે. ઉપરાંત પોનોગ્રાફી, વાયરસ એટેક, ફિકસીંગ, સલામી એટેક વગેરે પ્રકારના ગુના આચરવામાં આવે છે.