શહેરમાં ટ્રાફિકની સમસ્યા હલ થવાના બદલે વિકટ બની રહી છે. અકસ્માતના બનાવ રોજિંદા બની ગયા છે. સ્કૂલ બસ, વેન કે બસના ચાલકો ટ્રાફિકના નિયમોનું ઉલ્લંધન કરીને જે રીતે વાહન ચલાવી બાળકોની જિંદગી જોખમમાં મૂકે છે તે ચિંતાજનક બાબત છે.
આજનો જ દાખલો લઇએ તો કોઠારિયા રોડ પર સ્કૂલ રિક્ષામાંથી ગલુડિયા જોવાના પ્રયાસમાં એક માસૂમ બાળક રસ્તા પર પટકાતા તેનું મૃત્યુ થયું હતું. આ એક દુર્ઘટનામાં બાળકની ગફલત હોઇ શકે. પરંતુ મોટાભાગે સ્કૂલ રિક્ષા અને વેનના ચાલકોની બેદરકારી કારણભૂત હોય છે. આજના બનાવમાં નિયમ મુજબ સ્કૂલ રિક્ષામાં લોખંડની જાળી હોત તો કદાચ આ કરુણાંતિકા સર્જાઇ ન હોત. સ્કૂલ રિક્ષામાં વધુમાં વધુ છ બાળક બેસાડવાની મંજૂરી અપાય છે.
પરંતુ આર્થિક લાભ માટે૧૦થી૧૨ બાળકોને ખીચોખીચ બેસાડી, સમયસર પહોંચાડવાની લહાયમાં પૂરઝડપે વાહન ચલાવી બાળકોની મહામૂલી જિંદગી ખતરામાં મૂકે છે. આર.ટી.ઓ. અને ટ્રાફિક પોલીસ પોતાની ફરજ ચૂકી છે પણ સંતાનોની સલામતી માટે વાલીઓએ જાગૃત થવું જોઇએ અને સ્કૂલ રિક્ષાના ચાલકોએ પણ પોતાની વ્યવસાિયક પ્રામાણિકતા દાખવીને નિયમોનું પાલન કરવું જોઇએ. અન્યથા આજે સર્જાઇ હતી એવી દુર્ઘટના શહેરના ગમે તે રસ્તા ઉપર ગમે ત્યારે સર્જાઇ શકવાની પૂરેપૂરી શક્યતા છે.
આર્થિક ફાયદા માટે બાળકોની જિંદગી સાથે મોતની રમત -
સ્કૂલ રિક્ષામાં વધુમાં વધુ છ બાળકો બેસાડવા તેમજ કલાકના ૨૦ કિ.મી.ની ઝડપથી વાહન ચલાવવાની શરતે પરમિટ આપવામાં આવે છે. પરંતુ રિક્ષામાં આર્થિક ફાયદા માટે૧૦ થી ૧૨ અને વેનમાં ૧પથી વધુ વિદ્યાર્થીને બકરાની જેમે ઠાંસી ઠાંસીને ભરવામાં આવે છે. વિદ્યાર્થી g વધુ હોવાથી દરેકને ઘરેથી શાળા અને શાળાથી ઘર સુધી સમયસર પહોંચાડતા વાર લાગે છે અને સમયસર પહોંચવા માટે સ્કૂલ રિક્ષા,વેન અને બસના ચાલકો ઓવર સ્પીડથી વાહનો દોડાવીને બાળકોની જિંદગી સાથે ખિલવાડ કરે છે.
રિક્ષામાં લટકતા બાળકો અંગે હાઇકોર્ટ પણ ચિંતિત –
ગુજરાત હાઇકોર્ટમાં ચાલતી સુઓમોટો રિટ પિટિશન નં.૧૩૩૦૮/૨૦૦૪ માં હાઇકોર્ટે પણ રિક્ષામાં ઠાંસી ઠાંસીને ભરવામાં આવતા શાળાના બાળકોની સલામતી માટે ચિંતા વ્યક્ત કરી હતી અને દિશા નિર્દેશ પણ આપ્યા હતા.
વાલીઓ ૧૦૦-૧પ૦ રૂપિયા બચાવવા સંતાનોની જિંદગી ખતરામાં મૂકે છે –
જોખમી રીતે સ્કૂલની વધીઁ ભરતા વાહન ચાલકો અનેતંત્ર કરતા પણ વધુ બેદરકારી વાલીઓની છે. ઘરે બાળકોને મૂકવા આવે ત્યારે ક્ષમતા કરતા વધુ બાળકોની સંખ્યા જોવા છતા વાલીઓ ચૂપ રહે છે. કારણકે મર્યાદિત સંખ્યામાં બાળકો બેસાડતા વાહનની પસંદગી કરે તો મહિને ૧૦૦ થી ૧પ૦ રૂપિયા વધુ ચૂકવવા પડે!
સ્કૂલ રિક્ષાની પરમિટ માટે આર.ટી.ઓ.ના નિયમો –
- સ્કૂલ રિક્ષામાં વધુમાં વધુ ૬ બાળકો લઇ જઇ શકાશે.
- ઉતારુ કમ્પાર્ટમેન્ટધારા મુજબ બેઠક વ્યવસ્થા કરવાની રહેશે.
- ઉતારુ કમ્પાર્ટમેન્ટમાં ખૂલતી જમણી બાજુ એવી ડિઝાઈનવાળી જાળીથી કાયમી રીતે બંધ કરવી જોઇએ કે જેથી જાળીમાંથી કોઇ બાળકોના અવયવ બહાર આવી શકે નહીં.