મીઠાપુર નજીક આવેલી ટાટા કંપનીના ખુલ્લા પ્લોટમાં એક્સાથે પાંચ ગાયોના મળી આવેલા મૃતદેહ બાદ અચાનક જાગેલા તંત્રએ દાટી દેવાયેલા ગાયોના મૃતદેહને બહાર કાઢી પોસ્ટમોર્ટમ વિધિ હાથ ધરી છે. કેમીકલયુકત કચરો આરોગી જવાથી ગાયોના મૃત્યુ નિપજ્યાની વ્યાપક ફરિયાદો બાદ તંત્રએ કાર્યવાહી શરૂ કરી છે.
ગેસ લીકેજ, કેમીકલયુકત પાણી કે જમીન દબાણ જેવી બાબતોમાં અવાર-નવાર વિવાદોમાં રહેલી ટાટા કંપની વધુ એક વખત વિવાદમાં સપડાઇ છે. ગત સપ્તાહ કંપનીના સી-પ્લોટમાં એક્સાથે પાંચ ગાયોના મૃતદેહ મળી આવતા સનસનાટી મચી ગઇ હતી.
જો કે, આ ઘટના ક્યા કારણોસર ઘટી હોવાની તપાસ કરવાને બદલે ગાયોના દેહોને દાટી દઇ ઘટના પર પૂર્ણવિરામ મુકી દેવાયું હતું. કતલખાને ઘકેલાતી ગાયોને બચાવવા વારંવાર કુદી પડતા કહેવાતા ગાૈપ્રેમીઓ આ ગંભીર બાબતે ચુપકીદી સાધી લેતા પણ આશ્ચર્ય સર્જાયુ હતું.
દરમિયાન આ સમગ્ર ઘટના અંગે કોંગ્રેસના મહામંત્રી સાજીદ સોલંકીએ ડે. કલેક્ટર અને મામલતદાર સમક્ષ રજૂઆત કરી હતી. જેના પગલે ઓખા પોલીસે પશુ ચિકિત્સકોને સાથે રાખી કંપની સાઇટ પર દોડી જઇ દાટી દેવાયેલા ગાયોના મૃતદેહો બહાર કાઢી, બનાવનું ચોકકસ કારણ ચકાસવા પોસ્ટમોર્ટમ વિધિ હાથ ધરી હતી.