ભાવનગર મહાપાલિકામાં અવાર-નવાર ભ્રષ્ટાચારના થતા આક્ષેપોનો આજે સ્ટેન્ડીંગ કમિટિના ચેરમેન અને વિજિલન્સની ટીમે પર્દાફાશ કયોઁ છે. રોડમાં ભ્રષ્ટાચારને ખૂલ્લો પાડી ફિલ્મી ઢબે હલકી ગુણવત્તાના ડામરનો ટ્રક ઝડપી લઈ અનેક દબાણો છતાં કોન્ટ્રાક્ટર સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
શહેરના વિકાસના કાર્ય માટે સરકાર કરોડો રૂપિયાની ગ્રાન્ટો ફાળવે છે. પરંતુ તેમાં શહેર કરતા અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોનો જ વિકાસ થાય છે. મહાપાલિકાએ કરોડો રૂપિયા રોડમાં નાંખ્યા પરંતુ ચોમાસાનો પ્રથમ વરસાદ પણ રોડ ખમી શકતા નથી જેનો તાદ્રશ્ય નમૂનો ગૌરવપથ, શહેર ફરતી સડકથી માંડી મોટાભાગના રસ્તા છે. રોડમાં મોટા-મોટા ખાડાઓ ભ્રષ્ટાચારની ચાડી ખાય છે પરંતુ કમિશનરના પેટનું પાણી પણ હલતુ નથી. રોડમાં ભ્રષ્ટાચાર ખુદ કમિશનરે બનાવેલી વિજિલન્સની ટીમે જ સાબીત કરી બતાવ્યું છે પરંતુ આજ સુધી કોઈ કોન્ટ્રાક્ટર સામે પગલા લેવાયા નથી.
ત્યાં આજે વધુ એક ભ્રષ્ટાચારનો ખુદ સ્ટેન્ડીંગ કમિટિના ચેરમેન અભયભાઈ ચૌહાણ અને વિજિલન્સની ટીમે રંગે હાથ ઝડપી લીધો હતો. શહેરના નવાપરા-ડી.એસ.પી. ઓફિસ સામે કોન્ટ્રાક્ટર રજનીભાઈ કળથીયા દ્વારા રોડનું કામ શરૂ છે. જેમાં નબળી ગુણવત્તાનું મટીરીયલ્સ વાપરતા હોવાની બાતમીના આધારે સ્ટેન્ડીંગ ચેરમેન અભયભાઈ ચૌહાણે સ્થળ તપાસ વિજિલન્સની ટીમને બોલાવી હતી. અને નબળી ગુણવત્તાવાળા ડામર ભરેલા બે ટ્રકને રોકી તેને મહાપાલિકા લઈ જવાની કરતા હતા.
જે દરમિયાન વિજિલન્સની ટીમ અને રોડ વિભાગના અધિકારીઓ ઉભા હોવા છતાં તંત્રની ઐસીતૈસી કરી બન્ને ટ્રક લઈને ચાલકો નાસવા લાગ્યા. અને થોડીવાર માટે ફિલ્મી દ્રશ્યો સર્જાયા ચેરમેન અને વિજિલન્સની ગાડી ભાગતા ટ્રકની આડી નાખી રોકવાનો પ્રયાસ કર્યો છતાં એક ટ્રક ભાગી છુટ્યો હતો અને બીજા ટ્રકને કોર્પોરેશન લાવવામાં આવ્યો હતો.
જ્યાં ટ્રકમાં ભરેલા ડામરનું સેમ્પલ લઈ ટેસ્ટિંગ માટે મોકલાયું તેમજ પંચરોજ કામ કરી સિહોર પ્લાન્ટના સુપરવાઈઝર, વિજિલન્સ અધિકારી પી.પી. ત્રિવેદી, રોડ અધિકારી રાજેશ શુક્લ સહિતનાના નિવેદનો લઈ રિપોર્ટ બનાવ્યા હતા.
કરોડોના બનેલા રોડની પણ તપાસ થશે...?
શહેરમાં રોડ બન્યા બાદ થોડા સમયમાં જ બિસ્માર બનતા તંત્રની મિલી ભગત બહાર આવે છે. પાંચે’ક કરોડના ખર્ચે થયેલા ગૌરવપથની પણ વિજિલન્સ તપાસની માંગણી થયેલી છે. તેમજ તાજેતરમાં શિશુવિહારના રોડમાં પણ વિજિલન્સની ટીમે નબળી ગુણવત્તા હોવાનો રિપોર્ટ કમિશનરને કર્યો હતો. ત્યારે આજે નવાપરામાંથી પણ ટ્રક પકડાયો છે.
જે ત્રણેય કામ મેસર્સ યુનિવર્સલ એસોસિએટના જ છે. અને અત્રે ઉલ્લેખનિય છે કે, તાજેતરમાં શહેરના આડા આઠ કરોડના મંજુર થયેલા રોડ કામ પૈકી છ કરોડના આજ કોન્ટ્રાક્ટરના છે. ત્યારે શહેરના રોડની તપાસ થશે કે નહીં અને તપાસ બાદ કમિશનર પગલા લ તેવી લોકમાંગ ઉઠી છે.
અધિકારીઓના મતમતાંતરમાં વિરોધાભાસ....
નવાપરામાંથી નબળી ગુણવત્તાવાળા ડામરની ઝડપેલા ટ્રક બાબતે રોડ વિભાગના અધિકારી રાજેશભાઈ શુક્લએ જણાવ્યું હતું કે નવાપરા સાઈટ પર ફરજ બજાવતા સુપરવાઈઝર ધામેલીયાએ નવાપરા રોડ માટે આવેલા પાંચ ટ્રક ટેમ્પરેચર ઓછુ હોવાથી રિઝેક્ટ કરી હતી અને તેને પાછી મોકલી હતી.
જે પૈકી બે ટ્રક વિજિલન્સની ટીમે ઝડપી લીધા હતા પરંતુ ટ્રક લઈ ફરાર થયેલા ચાલકનું ઉદ્ધત વર્તન જરૂરથી હતું. ઝડપાયેલા ટ્રકના સેમ્પલ તપાસ માટે ગેસમાં મોકલાયા છે. પરંતુ પદાધિકારીઓ અને વિજિલન્સની ટીમે જણાવ્યાનુસાર ટ્રકને ઝડપી લીધા બાદ ટ્રક રિઝેક્ટ કર્યા હોવાનો ખુલાસો આવ્યો છે.
આમ આ બનાવમાં અધિકારીઓના મતમાં વિરોધાભાસ
સર્જાયો છે.