ક્ષાર નિયંત્રણ માટે મહુવાના કળસારથી નિકોલ, માલણ સુધીની યોજનાને છેક વિચિળયા સુધી જોડી દેવાશે
ભાવનગર જિલ્લાની દરિયાઈ પટ્ટી ઉપર ચિન્તાજનક રીતે વધતા જતાં ક્ષારના નિયંત્રણ માટે ૪૫ કિ.મી. અંતરની કેનાલ જોડી દેવાશે. હાલમાં અમુક અંતરમાં કામ પૂર્ણ તો થોડા વિસ્તારનું કામ ચાલુ હોવાનું જાણવા મળેલ છે.
દરિયા કાંઠે ક્ષારનાના લીધે ખેતીની જમીન બિન ઉપયોગી બનવાની દહેશત ઉભી થઈ છે. પરંતુ તંત્રએ પાણી પહેલા પાળ બાંધવા જુદી-જુદી યોજનાઓ બનાવી સળંગ કેનાલ બનાવવાની કાર્યવાહી સિંચાઈ ખાતાએ હાથ ધરી છે. બહુમાળી ભવન ખાતેની સિંચાઈ કચેરીના વર્તુળોના જણાવ્યા મુજબ મહુવા તાલુકાના કળસારથી નિકોલ અને માલણ સુધીની કેનાલનું કામ પૂર્ણ થઈ ચૂક્યું છે. જ્યારે રાજુલા તાલુકાના વિચિળયાની યોજનાનું કામ ચાલુ છે.
પરંતુ આ બન્ને યોજના વચ્ચે કડીરૂપ બની શકે તેવી સમિઢયાળા ક્ષારના નિયંત્રણની યોજના મંજુરીની રાહમાં છે. આ યોજનાને મંજુરી મળવાની પુરી શક્યતા છે. જેની મંજુરી બાદ કામ થયા બાદ મહુવા તાલુકાના કળસારથી રાજુલા પંથકના વિચિળયા સુધી ૪૫ કિ.મી. અંતરની કેનાલ બનશે. એટલું જ નહીં કળસારથી વધુ આગળ મેથળા, ગોપનાથ સુધી આ કેનાલ ભવિષ્યમાં લંબાવવાનું આયોજન હોવાનું સિંચાઈના વર્તુળોએ જણાવ્યું હતું. આ કેનાલથી ક્ષારના નિયંત્રણમાં મહત્વપૂર્ણ ફાયદો થશે. હાલમાં દરિયા કાંઠે જે ફળદ્રુપ જમીનમાં ક્ષારના પ્રસરવાની ભીતી છે તેને અટકાવવા આ કેનાલ આશિવૉદરૂપ બની રહેશે.
મીઠાપાણીના સંગ્રહથી ખારા પાણીમાં બ્રેક લાગશે
સળંગ ૪૫ કિ.મી.થી વધુ અંતરની આ કેનાલ તૈયાર થયા બાદ તેમાં વરસાદી, મીઠા પાણીનો સંગ્રહ થશે. આ મીઠા પાણીથી દરિયાનું ક્ષાર યુક્ત પાણી દરિયા કિનારાથી આગળ વધતુ અટકાવી શકાશે.