ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા ગૌરવ, સ્વાભિમાન અને પ્રજાને થતા અન્યાય સામે લડતના હેતુસર સરદાર સંદેશ યાત્રાનો પ્રારંભ બુધવારે સોમનાથથી કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અર્જૂન મોઢવાડિયા, વિધાનસભામાં વિરોધપક્ષના નેતા શક્તિસિંહ ગોહિલ, શંકરસિંહ વાઘેલા, નરહરી અમીન અને ધારાસભ્ય જવાહર ચાવડા તથા પૂર્વ ધારાસભ્યો અને જૂનાગઢ જિલ્લા કોંગ્રેસના તમામ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સહુએ સૌપ્રથમ સોમનાથ મહાદેવ સમક્ષ શીશ ઝુકાવ્યા હતા અને ત્યાર પછી મંદિર પરિસરમાં આવેલી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને ફુલહાર ચડાવ્યા હતા. ત્યાર પછી યોજાયેલી જાહેરસભામાં કોંગ્રેસના નેતાઓએ ગુજરાત સરકાર પર ચાબખા વરસાતા જણાવ્યું હતું કે 2012ના વર્ષમાં મોદીનું બારમુ કરી નાખવાની અમારી નેમ છે. (તસવીરોઃ રવિ ખખ્ખર, વેરાવળ)