-વિધાનસભા જીતવા મોદીએ સદ્દભાવનાના ત્રાગા શરૂ કર્યા
-નરેન્દ્ર મોદીની સદ્દભાવના સામે કોંગ્રેસના સત્કર્મમાં પ્રદેશ કોંગી પ્રમુખ મોઢવાડિયાના આકરા શાબ્દિક પ્રહાર
આજે પાલિતાણામાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના સદ્દભાવના ઉપવાસ સામે કોંગ્રેસે યોજેલા સત્કર્મ ઉપવાસમાં કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ ઈ.સ.૨૦૦૨ના કોમી તોફાનો નરેન્દ્ર મોદીએ ઈરાદાપૂર્વક કરાવી ચૂંટણી જીત્યા તો ઈ.સ.૨૦૦૭માં પોતાની ઉપર ખતરો છે તેવી ખોટી જાહેરાતો કરી, ખોટી રીતે ૨૨ એન્કાઉન્ટર કરાવી ચૂંટણી જીત્યા અને હવે ઈ.સ.૨૦૧૨ની ચૂંટણી મુસ્લિમોને મનાવી, તેમની વોટબેન્કને આકર્ષી જીતવા આવા સદ્દભાવનાના ત્રાગા શરૂ કર્યા છે તેમ જણાવી ખરેખર તો મુખ્યમંત્રીને રાજધર્મ પાળવાની જરૂર છે, આવી સદ્દભાવનાની કોઈ જરૂર નથી તેમ કહી આકરા શબ્દપ્રહાર કર્યા હતાં.
અર્જુન મોઢવાડિયાએ આક્ષેપબાજીમાં જણાવ્યું હતું કે અત્યારે ડુંગળી અને મગફળીના ભાવ તળીયે ગયા છતાં રાજ્ય સરકારે ખેડૂતોને યોગ્ય ભાવ મળે તેની કોઈ દરકાર કરી નથી. તેઓ તો માત્ર ઉદ્યોગોની જ દરકાર કરે છે. કોંગ્રેસનું રાજ્યમાં શાસન હતું ત્યારે ખેડૂતોને માંગે ત્યારે વીજ જોડાણ મળતું પણ મોદીના શાસનમાં દસ-દસ વર્ષ થયા છતાં જોડાણ મળતા નથી. આ સરકારમાં કામો તો માત્ર કોર્પોરેટ ગૃહના જ થાય છે, સામાન્ય માણસોને તો માત્ર ધક્કા ખાવાના રહે છે.નર્મદા યોજના અંગે તેઓએ ભાજપ સરકાર અને મોદી ખોટો જશ ખાટતા હોવાનું કહી ૮૦ મીટર સુધીની ઊંચાઈ તો કોંગ્રેસના શાસનમાં થઈ હોવાની માહિતી આપી હતી.
આજે રાજ્યમાં આઠ લાખ બેકારોની ફોજ છે તો બીજી બાજુ સરકારી કચેરીઓમાં ૪૦ ટકા જગ્યા ખાલી છે છતાં કોઈ ભરતી માટે કાર્યવાહી થતી નથી વળી, ૧૯૯૫માં રામમંદિર બનાવવાનો વાયદો પણ ભાજપ ભૂલી ગયું છે તેઓએ સનસનાટીભર્યો આક્ષેપ કરતા જણાવ્યું હતું કે ગોધરા ટ્રેન અને ગુજરાતને ઈ.સ.૨૦૦૨માં સળગાવનારો માણસ એક જ છે.
અમરગઢ ટી.બી. હોસ્પિટલ શિક્ષકના વેપારીને વેચી દીધી
અમરગઢની વિશ્વ વિખ્યાત ટી.બી. હોસ્પિટલને મોદી સરકારે શિક્ષણના વેપારીઓને વેચી દીધા અને એક-એક વિદ્યાર્થી પાસેથી મેડિકલ માટે રૂ.૩૦ લાખનું ડોનેશન અને પાંચ લાખ લેખે ફી ઉઘરાવ્યા બાદ આવા તમામ વિદ્યાર્થીઓને અડધે છોડી દઈ કરોડોની કમાણી કરી તો બીજી બાજુ અગાઉ જ્યાં મફત સારવાર મળતી ત્યાં હૃદયરોગ, કેન્સર જેવી ગંભીર બિમારી માટે જંગી ખર્ચ ભોગવવો પડે છે.