સાયકોલોજીના મતાનુસાર ત્રણ વર્ષે વાંચવા-લખવાનું બાળકો માટે ભારરૂપ
છેલ્લાં કેટલાક વખતથી શહેર-જિલ્લામાં કે.જી. નર્સરી કે બાલમંદિરોમાં ૨૦૧૨ના વર્ષમાં બાળકોને પ્રવેશ માટે પ્રક્રિયા થઈ રહી છે. આ સંજોગોમાં બાળ નિષ્ણાંત તબીબો અને મનોવિજ્ઞાનના તજજ્ઞોના મતાનુસાર ત્રણ વર્ષથી નાના બાળકોને શાળામાં દાખલ કરવાથી તેના કુમળી મગજ પર વપિરીત અસર થાય છે અને આવા બાળકો ઘણીવાર હાઈપર ટેન્શનનો ભોગ બનતો હોય છે.
ભાવનગરમાં જાન્યુઆરી, ફેબ્રુઆરી માસમાં કે.જી. નર્સરી અને બાલમંદિર કે જ્યાં થોડું ઘણું ભણાવાતું હોય છે કે પરીક્ષા લેવાતી હોય ત્યાં બાળકોને ત્રણ વર્ષ પૂર્ણ કર્યા બાદ શાળાએ મુકવા માનસિક સ્વાસ્થ્ય માટે હિતકારી છે તેમ મનોચિકિત્સક ડૉ.શૈલેષભાઈ જાનીએ જણાવ્યું છે. આ કુમળીવયે તમે બાળક પાસે અપેક્ષા રાખો એ છે જ વધુ પડતું છે અને તેના સવાઁગી વિકાસમાં નડતરરૂપ બને છે.
નાની વયે ખોટી સ્પર્ધાત્મકતાથી નાની વયે બાળકને નિષ્ફળતાનો અનુભવ થાય છે અને આ કુમળીવયે જ બાળકનું વેલ્યુએશન (!) થઈ જતાં મોટી વયે વહેલા થાકે છે. ત્રણ વર્ષના બાળક પાસે સ્પર્ધાત્મક પરીક્ષાની અપેક્ષા વધુ પડતી છે તે હકીકત છે અને ક્યારેક આવા બાળકોમાં તેના ખરાબ પરિણામો જોવા મળે છે.
ત્રણ વર્ષના બાળકને શાળામાં મુકવાથી તત્કાલ નહીં પણ મોટી વયે તેના માનસિક સ્વાસ્થ્ય પર અવળી અસર પડે છે. ત્રણ વર્ષે ૧થી૧૦૦ એકડા, એબીસીડી કે રંગોની ઓળખ, પશુ-પંખીના નામ વિ. યાદ રાખવાનું ફરજિયાત કહેવામાં આવે તે ભાવિ માટે હાનિકારક છે. આના કરતા બાળકોમાં મૂછાળી મા તરીકે જાણીતા ગીજુભાઈ બધેકાની પદ્ધતિ મુજબ બાળકોને રમવું હોય તો રમવાનું અને ભણે તો ભણવાની પદ્ધતિ યોગ્ય છે. બાળક ત્રણ વર્ષે બાળમંદિરમાં પ્લે હાઉસમાં જાય તેમાં ખોટું નથી પણ ખોટું ખોટેખોટી સ્પર્ધાથી છે.
કે.જી.માં પ્રવેશ માટે અઢી વર્ષના રોહનને દૈનિક દોઢ કલાકનો અભ્યાસ ?
અઢી વર્ષના રોહનને તેની મમ્મી સારી શાળામાં પ્રવેશ મળે તે માટે ચારેક કે.જી.માં ફોર્મ તો ભરી ચૂક્યા છે. પ્રવેશ વેળાએ કે.જી. દ્વારા લેવામાં આવતા ઈન્ટરવ્યૂમાં બાળકો પાસ થાય તેની માટે દરરોજ દોઢથી બે કલાક ભણાવવામાં આવે છે. નર્સરી કે કે.જી.માં પ્રવેશમાં શિક્ષક દસ ફુલ-શાકભાજી તેમજ પશુ-પંખીઓનાં નામ બોલાવે છે અંગ્રેજી માધ્યમની શાળાઓમાં તો એબીસીડી, ૧થી૧૦ જેવા પ્રશ્નો પૂછાય છે.