- ન્યૂનતમ તાપમાન ઊંચકાયું પરંતુ શીતલહેરના કારણે જિલ્લાભરમાં ટાઢોડાનું સામ્રાજ્ય
જામનગર શહેર-જિલ્લામાં સતત ત્રીજા દિવસે પણ ઠંડીનું જોર મહદઅંશે યથાવત રહયુ હતુ.જોકે, શુક્રવારે ઠંડીના પ્રમાણમાં આંશિક ઘટાડો થતા ન્યુનતમ તાપમાનનો પારો લગભગ દોઢ ડીગ્રી ઉંચકાયો હતો.આમ છતા મહદઅંશે શિત લહેરોના સંકજા સાથે તિવ્ર ઠંડીના મુકામને પગલે જનજીવન પ્રભાવિત રહયુ હતું.
જામનગર શહેર-જિલ્લામાં ઓણ સાલ શિયાળાએ અંતિમ ચરણમાં મૌસમની રેકર્ડબ્રેક ઠંડીનો અહેસાસ કરાવતા છેલ્લા ત્રણ દિવસથી જનજીવન ભારે પ્રભાવિત થયુ છે.ગુરૂવારે તો લધુતમ તાપમાનનો પારો ગગડીને સાડા પાંચ ડીગ્રીએ સરકી જતા મૌસમની સૌથી વધુ રેકર્ડબ્રેક ઠંડીથી જનજીવન ધ્રુજી ઉઠયુ હતું.
કાતિલ ઠંડીના પગલે શાળા-કોલેજોએ જતા છાત્રોએ ભારે મુશ્કેલીનો સામનો કર્યો હતો જ્યારે મોડી સાંજ બાદ શહેરના સતત ધમધમતા રાજમાર્ગો પર ચહલ પહલ પણ પાંખી જોવા મળતા સ્વયંભુ કર્ફ્યુ જેવો માહોલ જોવા મળ્યો હતો.સવારે અને મોડી સાંજ બાદ કાતિલ ઠંડીના પ્રકોપથી બચવા લોકો મહદઅંશે ગરમ વસ્ત્રો ઉપરાંત તાપણાનો સહારો લેતા જોવા મળ્યા હતા.
જામનગરમાં શુક્રવારે લધુતમ તાપમાન ૭ ડીગ્રી અને મહતમ તાપમાન ૨૨ ડીગ્રી નોંધાયુ હોવાનું કંટ્રોલરૂમે જણાવ્યુ હતુ.શહેર-જિલ્લામાં ઠંડીના પ્રમાણમાં આંશિક ધટાડા સાથે શુક્રવારે કાતિલ ઠંડીનું મોજુ યથાવત રહયુ હતુ. કાલાવડ, ભાણવડ, ધ્રોલ-જોડીયા, લાલપુર, જામજોધપુર વગેરેમાં પણ તિવ્ર ઠંડીના પગલે જનજીવન પ્રભાવિત થયુ હતું.
ખંભાળિયામાં ઠંડીનો મુકામ -
ખંભાળિયા પંથકમાં છેલ્લા ત્રણ દિવસથી સિઝનની સૌથી વધુ ઠંડીનો દૌર આજે પણ યથાવત રહયો હતો. ઠંડીના પ્રકોપના પગલે સવારે બજારો મોડી ખુલી હતી અને માર્ગો પર અવર જવર પણ ઓછી જોવા મળી હતી. ઠંડી અને પવનની માઠી અસર જનજીવન પર થઇ રહી છે.