- જમણવારમાં વીસ મંત્રીઓના આગમને પોલીસને દોડતી રાખી
- 3 દિવસથી તંત્ર ઉંધા માથે પણ મુખ્યમંત્રી તો આવ્યા જ નહીં
રાજ્યના કૃષિમંત્રી દિલીપભાઇ સંઘાણીના પુત્રના લગ્ન પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી અમરેલીની મુલાકાતે આવવાની વાત હોય ત્રણ દિવસથી વહીવટીતંત્ર ઉંધા માથે હતું પરંતુ મુખ્યમંત્રી આજે પણ અમરેલી ન આવતા રાજકીય વર્તુળમાં ખાસ્સી ચર્ચા ઉઠી હતી. બીજી તરફ રાજ્યના વીસ જેટલા મંત્રીઓએ આજે અમરેલીની મુલાકાત લેતા સમગ્ર પોલીસ તંત્ર તેના બંદોબસ્તમાં જ વ્યસ્ત રહ્યુ હતું.
કૃષિમંત્રી દિલીપભાઇ સંઘાણીના પુત્રના લગ્ન અમરેલીમાં ભુતકાળમાં ક્યારેય ન યોજાયા હોય તેવા ઠાઠમાઠથી યોજાયા. હેલીકોપ્ટરમાંથી પુષ્પવર્ષા કરાઇ અને દર દસ મીનીટે અમરેલી માથે હેલીકોપ્ટરે હડીયાપાટી કરી. રસ્તા પર રૂપીયાની નોટો ઉડાડવામાં આવી. લખલુંટ ખર્ચ અને ભારે ભપકા સાથે લગ્ન યોજાયા ત્યારે આ લગ્ન પ્રસંગમાં મુખ્યમંત્રી અચુક હાજર રહેશે તેવી શક્યતા જોવાતી હતી. વહીવટીતંત્ર છેલ્લા ત્રણ દિવસથી બંદોબસ્તની તૈયારીમાં પણ હતું. પરંતુ આજે પણ મુખ્યમંત્રી આવ્યા ન હતાં. જો કે રાજ્યના જુદા જુદા વીસ મંત્રીઓ લગ્ન પ્રસંગમાં આવતા જીલ્લાભરની પોલીસ તેના બંદોબસ્તની હડીયાપાટી કરતી નઝરે પડતી હતી.
ભુતકાળમાં પરશોત્તમભાઇ રૂપાલાના ઘરે લગ્ન પ્રસંગમાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી ઉપરાંત માજી મુખ્યમંત્રી કેશુભાઇ પટેલ અને સુરેશભાઇ મહેતાએ હાજરી આપી હતી. ત્યારે કૃષિમંત્રી દિલીપભાઇ સંઘાણીના ઘરે લગ્ન પ્રસંગમાં પણ મુખ્યમંત્રી આવશે તેવી ધારણા રખાતી હતી. પરંતુ મુખ્યમંત્રી ન આવતા રાજકીય વર્તુળમાં પણ ખાસ્સી ચર્ચા જાગી હતી.