ઠંડીનો પારો નીચે ગગડતા ગ્રામ્ય વિસ્તારમાં પાક પર બરફ જામ્યો : અમરેલીમાં પ.૭ ડિગ્રી તાપમાન નોંધાયું
અમરેલી પંથકમાં પાછલા બે દિવસથી હાજા ગગડાવી દેતી ઠંડી પડી રહી છે. અચાનક જ તાપમાનનો પારો પાછલા બે દિવસથી છ ડીગ્રી કરતા પણ નીચો ચાલ્યો જતા જનજીવન ભારે પ્રભાવિત થયુ છે. અમરેલીમાં આજે પ.૭ ડીગ્રી સુધી તાપમાન નીચુ જતા લોકોએ ઘરમાં જ ભરાઇ રહેવાનું પસંદ કર્યુ હતું જેને પગલે આખો દિવસ શહેરની બજાર સુસ્ત જણાઇ હતી.
ધારીમાં તો ૨.૯ ડીગ્રી તાપમાન નોંધાયુ હતું અને ગ્રામ્ય વિસ્તારમાં પાક પર બરફના કણ પણ જામી ગયા હોવાનું જાણવા મળેલ છે. શીયાળો જાવું જાવું થઇ રહ્યો છે તે વખતે રેર્કોડબ્રેક ઠંડીનો દોર શરૂ થયો છે. અમરેલી જીલ્લામાં પાછલા બે દિવસથી ઠંડીએ એવું જોર પકડયુ છે કે જીલ્લાભરમાં જનજીવન ઠુંઠવાઇ ગયુ છે.
બરફીલા પવન અને આકરી ટાઢની વચ્ચે લોકો ઘરમાંથી બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. કાતીલ ઠંડીએ એવું પ્રોત પ્રકાશ્યુ છે કે બપોરના સમયે પણ ગરમ વસ્ત્રોમાં વીટળાયેલા લોકો થરથર ધ્રુજી રહ્યા છે. બાકી હોય તેમ તેજ પવન પણ ફુંકાવાનો શરૂ થતા ઠંડીની તીવ્રતા વધુ આક્રમક અનુભવાઇ રહી છે.
અમરેલી પંથકમાં ગઇકાલે પ્રથમ વખત તાપમાનનો પારો પ.૪ ડીગ્રી પર પહોંચ્યા બાદ આજે સતત બીજા દિવસે પણ તાપમાન છ ડીગ્રી કરતા નીચે રહ્યુ હતું. આજે અમરેલી શહેરનું ન્યૂનત્તમ તાપમાન પ.૭ ડીગ્રી નોંધાયુ હતું. જ્યારે મહત્તમ તાપમાન ૨૪.૮ ડીગ્રી રહ્યુ હતું. હવામાં ભેજનું પ્રમાણ ૨૭ ટકા હતું જ્યારે પવનની ગતી પ્રતિ કલાક સરેરાશ ૭.૭ કી.મી.ની રહી હતી.
જાણકારોના કહેવા મુજબ કાતીલ ઠંડીનું આ મોજુ હજુ બે દિવસ સુધી તેની અસર દેખાડશે. સૌથી વધુ ઠંડી વહેલી સવારે અનુભવાઇ રહી છે. વહેલી સવારે તો ગરમવસ્ત્રો વગર ઘર બહાર નીકળવું મુશ્કેલ થઇ પડયુ છે. અમરેલીમાં આજે અગીયાર વાગ્યા સુધી બજાર સુસ્ત જોવા મળી હતી. ઉપરાંત સાંજના આઠ વાગતા સુધીમાં બજારમાં સોંપો પડી ગયો હતો.
બીજી તરફ ધારીમાં તો ઠંડીનો પ્રકોપ ચરમસીમા પર છે. આજે ધારી શહેરનું ન્યૂનત્તમ તાપમાન ૨.૯ ડીગ્રી સુધી પહોંચી જતા લોકો જાણે થીજી ગયા હતાં. કાતીલ ઠંડીના દોરને પગલે જરૂર વગર લોકોએ ઘર બહાર નીકળવાનું ટાયુ હતું. ધારીના ચીવડ ગામે તો વહેલી સવારે પાંચેક વાગ્યે કોથમીર, ભાજી વિગેરેના પાક પર બરફના કણ પણ જામી ગયા હતાં. ધારમાં પાછલા વર્ષોમાં આવી ઠંડી ક્યારેય પડી નથી. વડીયા, બાબરા, લાઠી, લીલીયા, બગસરા, દામનગર, સાવરકુંડલા, ચલાલા વિગેરે પંથકમાં કાતીલ ઠંડીનો દોર ચાલ્યો હતો.
બરફના કણ જોઇ નવાઇ લાગી : રમેશભાઇ કોળી
ધારી તાલુકાના ચીવડ ગામના ખેડૂત રમેશભાઇ કોળીએ જણાવ્યુ હતું કે સવારે પાંચ વાગ્યે જ્યારે હું વાડીએ પહોંચ્યો ત્યારે કોથમીર અને ભાજીના પાક પર બરફના કણ જામી ગયેલા જોઇ નવાઇ લાગી હતી. ભુતકાળમાં અમે ક્યારેય પાક પર આ રીતે ક્યારેય બરફ જામેલો જોયો ન હતો.