ગુજરાતના પ્રાચિન ભજન સાહિત્ય સંતવાણીના ગાયકો અને વાદકો કે જેમણે આ પવિત્ર સંસ્કાર સરવાણીને લોકહૃદયમાં વહેતી રાખવામાં પોતાની આજીવન ગાન ઉપાસના તથા વાધ્ય ઉપાસના દ્વારા સેવા આપી છે તેવા ભજનમર્મીઓને પૂ.મોરારિબાપુ દ્વારા સંતવાણી એવોર્ડ ૪થી નવાજવામાં આવશે.
આગામી તા. ૧૨-૧૧-૧૧ને શનિવારના ભજનના મર્મીઓ દ્વારા સાંજના ૪થી૭ વેળાની ભજન વિચાર સંગોષ્ઠિમાં વકતવ્યો થશે. અને રાત્રીના નામી ભજનીકો દ્વારા સંતવાણી રસ પીરસવામાં આવશે. જેમાં કબીર સાહેબની અવળવાણી વિશે રવજી રોકડ તથા કટારી રૂપાત્મક ભજનો વિશે દલપત પિઢયાર વાત કરશે જ્યારે ભજન સાહિત્યનો ઈતિહાસ વિષય અંતર્ગત નરોતમ પલાણ પોતાના વિચારો રજુ કરશે.
આ વર્ષના સંતવાણી એવોર્ડ ૨૦૧૧ની અર્પણ વિધિ રાત્રે ૯-૩૦ કલાકે થશે. જેમાં વિધ્યમાન ભજનિક અને વાધ્ય સંગીતકારોને સન્માનવામાં આવશે. સંતવાણીના આદિ સર્જકની વંદના સર્જક કબીર સાહેબ પ્રતિનિધિ મહંત પુ.ગોકુલદાસ સાહેબ, કબીર મંદિર, ખાડિયા, અમદાવાદ, માધુભાઇ આણંદજી જેઠવા (માધુભગત જેઠવા જુનાગઢ)ને ભજન માટે તથા તબલા માટે જિતુ સોની જેતપુરને બેન્જો વાદક રાજકોટના મુકુન્દ જાની તેમજ મંજીરાવાદક વસંત સાવઝ મુંબઇને સન્માનપત્ર રૂપિયા પચીસ હજાર, કામળી તથા સુત્ર માલાથી સન્માનિત કરવામાં આવે છે.
સંતવાણી એવોર્ડ અર્પણ થયા બાદ આ કાર્યક્રમ સાથે સંતવાણીના માહોલ વચ્ચે ગુજરાતના ભજન સમ્રાટોની સંતવાણી રજુ થશે. ૨૦૧૧ના વર્ષના એવોર્ડ માટે નામ પસંદગી માટે આ વર્ષની સંતવાણી એવોર્ડ સમિતિની સેવા મળી છે.
અધ્યાત્મ અને સંસ્કાર જગતની આ પ્રોત્સાહક ઘટનામાં ભજન મર્મીઓ અને ભજન સંતવાણી પ્રેમીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેશે. મહુવાના તલગાજરડા
ગામ ખાતેના ચિત્રકુટધામ ખાતે યોજાનાર આ કાર્યક્રમમાં સૌ આદર નિમંત્રિત છે.