દામનગર પંથકને છેલ્લા કેટલાય સમયથી એસ.ટી. તંત્ર દ્વારા અન્યાય કરવામાં આવે છે. તાજેતરમાં તેનો વધારો કરાતો હોય તેમ દામનગરને સાંકળતા કેટલાય મહત્વપૂર્ણ એસ.ટી. રૂટ બંધ કરી દેવાતા લોકોમાં લોકોમાં નારાજગી ફેલાઇ જવા પામી છે.
ધારીથી સવારે ૫.૩૦ કલાકે ઉપડતી ભાવનગરની વાયા દામનગર બસ વર્ષોથી ચાલતી હતી. જે એકાએક બંધ કરી દેવામાં આવી છે. આજ રીતે ગારિયાધાર-ભાવનગર વાયા પાંચ તલાવડા, ગુંદરણ, એકલેરા, ઇંગોરાળા, દામનગર બસ બંધ કરી દેવાતા આ વિસ્તારનાં અપડાઉન કરતા અનેક વિદ્યાર્થીઓ તથા મુસાફરોની સુવિધા છીનવાઇ ગઇ છે.
અમરેલીથી ઉપડતી સાંજે ૪.૩૦ વાગ્યાની ભોરિંગડા વાયા દામનગરની બસ છેલ્લી હોવાથી તેમાં ભારે ભીડ રહે છે. જેથી ક્યારેક અકસ્માત સર્જાવાનો પણ ભય રહે છે. આ સંજોગોમાં અમરેલી-કાચરડી-ઢસા વાયા દામનગર સાંજે ૬.૩૦ની બસ વિદ્યાર્થીઓ માટે અનુકૂળ સમયથી બસ હતી. એસ.ટી. દ્વારા આ બસનો સમય એક કલાક મોડો ૭.૩૦નો કરી નખાતા તે હવે અનિયમિત થઇ જવાથી મુસાફરો પરેશાન થઇ ઉઠયા છે.આ બસ બાદ છેક રાત્રે ૯.૩૦ કલાકે સાવરકુંડલા-બાપુનગર બસ મળતી હોવાથી કાંચરડીવાળી બસને બજુના સમયે દોડાવવાની માંગ કરાઇ છે. પુરતા મુસાફરો હોવા છતાં એસટી. દ્વારા મહત્વપૂર્ણ રૂટ બંધ કરી દેવાતા મુસાફરોમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે.