ભાવનગર શહેર-જિલ્લામાં સર્વત્ર મેઘરાજા ઓળઘોળ થઈ જતાં ભાલ પંથકમાં વિહરતા કાળિયારોના જીવ તાળવે ચોંટી ગયા છે. પોતાનો જીવ બચાવવા કાળિયારો ઊંચાણવાળી જગ્યા શોધવા દોડધામ કરી રહ્યા છે.
રાષ્ટ્રીય ઉધાન વેળાવદર અને આસપાસના વિસ્તારોમાં બહોળી સંખ્યામાં કાળિયારો વસવાટ કરે છે. સામાન્ય રીતે ભાલમાં ચિકણી માટી આવેલી છે. જ્યાં વરસાદનું જોર વધતા જ ચીકણી માટી કાળિયારો માટે મોતનું જોખમ ઊભું થાય છે. વળી, કાળિયારોને માટીમાં ખુંચી ગયા બાદ બહાર આવવું મુશ્કેલ બને છે.
આવી પરિસ્થિતિમાં ગઈકાલથી ધીમીધારે શરૂ થયેલા વરસાદથી ભાલ પંથકમાં ઠેર-ઠેર પાણી ભરાયા છે. તો કેટલાક વિસ્તારોમાં અંદર પ્રવેશવું જોખમરૂપ બન્યું છે. અભ્યારણ્યની અંદર કાળિયારોની સંખ્યા છે. તેટલી જ સંખ્યા ઉધાનની બહારના ભાગમાં પણ વસવાટ કરે છે. વનખાતાનાં તંત્રવાહકો પણ સ્થળ પર દોડી ગયા હતા.
કાળિયારોના ટોળા આ પ્લેટફોર્મ પર દોડી જઈ પોતાનો જીવ બચાવવા મથી રહ્યા હોવાનું જાણવા મળેલ છે. આ અંગે અભ્યારણ્યના આરએફઓ વી.એ. રાઠોડએ જણાવ્યું હતું કે, સ્થળ તપાસ કરાઈ હતી. જેમાં કોઈ કાળિયારનું મોત થયું હોય તેવું જાણવા મળેલ નથી. તદ્દઉપરાંત ઉધાનની અંદરના ભાગે ૨૫ કિ.મી. અંતરનો માર્ગ મજબૂત અને ઊંચાણવાળો હોવાથી કાળિયારો રસ્તા પર દોડી આવ્યા હતા.