વિધાનસભાની આગામી ચૂંટણીને એકાદ વર્ષ બાકી છે ત્યાં ભાજપ દ્વારા અત્યારથીજ ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. અને ચૂંટણીને લક્ષમાં લઇ કાર્યક્રમોની પણ આજે પ્રભારી આઇ.કે. જાડેજાએ કાર્યકરો સાથે ચર્ચા કરી હતી.
શહેર ભાજપના નવા બિલ્ડીંગમાં ભાવનગરના પ્રભારી આઇ.કે. જાડેજાની ઉપસ્થિતિમાં ભાજપના કાર્યકરોની બેઠક યોજાઇ હતી. જેમાં આગામી વિધાનસભાની ચૂંટણીની તૈયારીમાં કાર્યકરોને લાગી પડ્યા તેમજ ચૂંટણીને લક્ષમાં લઇ ભાજપને છોડેલા અને નિષ્ક્રિય થયેલા કાર્યકરોને પુન: ભાજપમાં સક્રિય કરવા ઉતર અને દક્ષિણ વિસ્તારોમાં ટીફીન બેઠકો યોજવા સુચના આપી હતી.
વિધાનસભાની ચૂંટણીમાં ઉતર અને દક્ષિણમાં ચૂંટણીના ઇન્ચાર્જ અને સહઇન્ચાર્જ નિમવાની વાત આવી ત્યાં મોટાભાગના આગેવાનો કાર્યકરો નીચી મુંડી નાખી દીધી હતી. જો કદાચ તેમનુ નામ આવે તો વિધાનસભાની ઉમેદવારીમાંથી નામનો છેદ ઉડી જાય. પરંતુ જે ચૂંટણી લડવા ન ઇચ્છતા હોય તેઓને જ ઇન્ચાર્જ બનાવવાની જાડેજાની જાહેરાતથી બધાએ હાશકારો લીધો હતો. પરંતુ ઇન્ચાર્જ બનાવવા ભાજપે ખરેખર શોધ જ કરવી પડશે.