- ગોંડલમાં નકલી દારૂ પીધા પછી એકની આંખે અંધારા, ચાર બેભાન
ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હોવા છતા અન્ય રાજ્યની સરખામણીએ સૌથી વધુ દારૂ ગુજરાતમાં વેંચાય છે. આ ગેરકાનૂની ધંધાના કારણે અમદાવાદમાં સર્જાયેલા લઠ્ઠાકાંડમાં ૧૬૦ વ્યક્તિના મોત થયા હતા. થોડા સમય સુધી બુટલેગરો ઉપર તવાઇ ઉતારી પ્રજાના આંખે પાટા બાંધવામાં પોલીસને સફળ થઇ છે.
પોલીસની સાંઠ-ગાંઠના કારણે કેટલાક બુટલેગરોએ નકલી શરાબની ફેક્ટરી શરૂ કરી દીધી છે. તહેવારોમાં પ્યાસીઓની માગને પહોંચી વળવા નકલી મિલાવટવાળો દારૂનુ વેચાણ પૂરજોશમાં ચાલુ હોવા છતા પોલીસ આંખ આડા કાન કરી રહી છે. ગોંડલમાં ગત રાતે રોયલ સ્ટગ બ્રાન્ડનો દારૂ પીનાર પાંચ વ્યક્તિ અવળી અસર થતા ચાર વ્યક્તિ બેભાન છે અને પાંચમી વ્યક્તિએ આંખે અંધારા આવી રહ્યાની ફરિયાદ કરતા ગમે ત્યારે નકલી,મિલાવટવાળા દારુના કારણે ગમે ત્યારે લઠ્ઠાકાંડ સર્જાય તેવી દહેશત વ્યક્ત થઇ રહી છે.
ચોંકાવનારી બાબત એ છેકે, ચોક્કસ બુટલેગરોએ માગો તે બ્રાન્ડનો દારૂ પૂરો પાડવા નકલી દારૂ બનાવવાની ફેક્ટરી શરૂ કરી દીધી છે. આવા બુટલેગરો પોલીસતંત્રમાં ચોક્કસ અધિકારીઓની સીધી નજર હેઠળ જ કાળો કારોબાર ધમધોકાર ચલાવી રહ્યા છે તેમ દારૂના ધંધાર્થીઓમાં ખુલ્લી ચર્ચા થઇ રહી છે. અને પોલીસન આ નિતિનના કારણે રાજ્યમાં ગમે ત્યારે લઠ્ઠાકાંડ સર્જાય તો નવાઇ પામવાની જરૂર નથી.
પોલીસ તંત્રમાંઆગ લાગે ત્યારે જ કૂવો ખોદવા જવાની પ્રણાલી રહી છે.સવા વર્ષ પહેલા થયેલા લઠ્ઠાકાંડમાં ૧૬૦થી વધુ લોકોના મોત થયા પછી દારુ વેચનારા અને સપ્લાય કરનારા તત્વો ઉપર તૂટી પડવાના આદેશ છુટયા હતા. પ્રજાને ભરમાવવા પાંચ, પંદર પોલીસ અધિકારીઓને સસ્પેન્ડ કરી રાજ્યમાં દારૂનુ ટીપાનું પણ વેચાણ ન થવુ જોઇએ તેવી કડક સૂચના આપીને એકાદ મહિના સુધી બુટલેગરો ઉપર ઘોંસ બોલાવી વાહ વાહ મેળવી લીધી હતી. પરંતુ, થોડા સમયમાં લઠ્ઠાકાંડ વિસરાઇ ગયો અને પોલીસની નજર હેઠળ બુટલેગરો બમણા જોરથી દેશી, વિદેશી દારૂનું ખુલ્લેઆમ વેચાણ કરવા લાગ્યા છે.
નાકાબંધી છતાં દારૂ ભરેલા ટ્રક, કાર કઇ રીતે ઘૂસી જાય છે?
નાતાલ અને થર્ટી ફર્સ્ટની ઉજવણીમાં દારૂનુ દૂષણ ન ભળે એ માટે કાયદો વ્યવસ્થા વિભાગના વડા સુધિરકુમાર સિન્હાએ બુટલેગરો ઉપર તૂટી પડવા તેમજ રાજ્યમાં દારુ ઘુસાડતો અટકાવવા નાકાબંધી કરી વાહન ચેકીગ કરવાનો આદેશ કર્યો છે. એટલું જ નહીં પીનારા કે વેચનારા પકડાયા પછી તેની પૂછપરછ કરીને મૂળ સુધી જઇ સપ્લાયરની ધરપકડ કરવા સૂચના આપી છે. શેઠની શિખામણ ઝાંપા સુધી તે ઉક્તિ મુજબ આવી સૂચનાને ગંભીરતાથી નોંધ લેવાતી નથી.
કારણકે સૂચનાનો અમલ થાય તો દારૂની ગેરકાયદે હેરાફેરી,વેચાણ થકી મળતી લાખો રૂપિયાની આવક બંધ થઇ જાય! અનેમોંઘવારીમાં આવક ગુમાવવી કોને પોષાય? પોલીસની આ વૃતિના કારણે સપ્લાયર અને બુટલેગરોને ઘી કેળા થઇ ગયા છે. જો વાહનનુ ચેકીગ પ્રમાણિકતાથી થતુ હોય તો સપ્તાહમાં ત્રણ ચાર વખત કાર અને ટ્રક ભરીને દારૂ પકડાય છે એ જે તે શહેર સુધી કઇ રીતે પહોંચી શકે?
મોંઘા શરાબના શોખીનો ખાસ ચેતે -
એક બુટલેગર પાસેથી મળેલી માહિતી મુજબ, મોંધી વ્હીસ્કી અને સ્કોચની માગ એકા એક વધી છે. માગ પ્રમાણે ઉપરથી માલ સપ્લાય થતો ન હોવાથી સ્કોચની ખાલી બોટલોમાં મિલાવટ કરીને ગ્રાહક પાસેથી પૂરા પૈસા વસૂલ કરાય છે. બુટલેગરો ભંગારના ધંધાર્થીઓ પાસેથી મોંધી શરાબની ખાલી બોટલના ૨પ થી પ૦ રૂપિયામાં ખરીદે છે.
ત્યાર પછી સીલ પેક બોટલનું ઢાંકણ સીફત પૂર્વક કાઢી તેમાં ચાલુ વ્હીસ્કી, દેશી દારૂ, સ્પીરીટ અને ઠંડા પીણા ભેળવીને ફરીથી ઢાંકણ ફીટ કરી દે છે. ઢાંકણ ખોલવા-ફીટ કરવાની તરકીબ એવી છે કે કોઇને શંકા જ ન થાય !