ભાવનગર જિલ્લા જેલમાં મળેલા મોબાઈલ પ્રકરણે જિલ્લા જેલના ત્રણ કેદીઓને પોલીસે ઝડપી લઈ કોર્ટમાં રજૂ કરતા કોર્ટે આરોપીઓના રીમાન્ડ મંજુર કર્યા છે.
ગત તા.૪ જાન્યુ.ના ભાવનગર જિલ્લા જેલ સત્તાવાળાઓએ બાતમીના આધારે સર્ચ ઓપરેશન હાથ ધરતા સત્તાવાળાઓને જેલના પ્રતિબંધિત વિસ્તારમાંથી સેમસંગ કંપનીનો સિમકાર્ડ વગરનો મોબાઈલ બિનવારસી હાલમાં મળી આવ્યો હતો.
જિલ્લા પોલીસ અધિક્ષકની વી. ચંદ્રશેખરએ એ.એસ.પી. પ્રદિપ સેજુળનાં માર્ગદર્શન હેઠળ એક ટીમ બનાવી હતી. જેણે ભેદ ઉકેલી આ ગુનામાં સંડોવાયેલ કેદી આરોપીઓ કાળુ ઉર્ફે દાઉદ નાનજીભાઈ જેતાણી (રહે. શિવઓમનગર સોસા. આર.ટી.ઓ. કચેરી), સકિંદર ઉર્ફે સિકો અવેશભાઈ કટિયા (રહે.કુંભારવાડા, હાઉસીંગ બોર્ડ) અને અલ્લાઉદ્દીન અન્વરભાઈ કટિયા (રહે.કુંભારવાડા, હાઉસીંગ બોર્ડ)ની જેલમાંથી કબજો મેળવી ધરપકડ કરવામાં આવેલ છે.
સીમકાર્ડ કઈ રીતે મેળવ્યું, જેલના કોઈ કર્મચારી સહીત કોણ કોણ આમાં સંડોવાયેલ છે સહીતની માહિતી મેળવવા માટે આરોપીઓને કોર્ટમાં રજુ કરી રીમાન્ડ માંગતા કોર્ટે તમામના બે દિવસના રિમાન્ડ મંજુર કરેલ છે.
આરોપીઓનું આંતરરાજ્ય વ્હાઈટ કોલર આરોપી સાથે જોડાણ...
આ ગુન્હામાં ઝડપાયેલ આરોપીઓનું જોડાણ સેમસંગના મોબાઈલની સગવડતા કરી આપતા અને હાલમાં જેલમાં રહેલા તથા એટીએમ કાર્ડ દ્વારા આચરવામાં આવેલ ૩૫ જેટલા ગુન્હામાં સંડોવાયેલ આંતરરાજ્ય વ્હાઈટકોલર આરોપી અમદાવાદ ખાડીયામાં રહેતા રાજીવ હસમુખલાલ ભટ્ટ સાથે પણ હોવાથી આ બાબતે વિશેષ તપાસ પી.એસ.આઈ. આર. જી.રાણા દ્વારા ચલાવાઈ રહી છે.