આ જૂથ અથડામણમાં ઘાયલ થયેલાઓને ભાવનગર,તળાજા અને પાલિતાણા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા
પાલિતાણાના સાજણાસર ગામે ઢોર ચરાવવા બાબતે ભરવાડ અને આહિર જુથ વચ્ચે મોડીરાત્રીના શસ્ત્ર ધિંગાણું થતા ચારથી પાંચ વ્યક્તિને ઇજા થઇ હતી. પ્રાપ્તવિગત મુજબ પાંચાભાઇ લાખાભાઇ ભરવાડ ચાવડા તેમજ અન્ય ભરવાડો ચરણમાં માલઢોર ચરાવા ગયા હોય ત્યારે ચાર પાંચ દિવસ પહેલા આહિરના છોકરાઓ સાથે બોલાચાલી થયેલ.
જે અંગેની અદાવત રાખી ગત રાત્રીના સાડા નવ કલાકે દાલુ ભાણા ફગા તેમજ અન્ય આહિર જુથના ૧૬ વ્યક્તિએ ગેરકાયદેસર મંડળી રચી લાકડી, તલવાર, ધારીયા કુહાડી જેવા શસ્ત્રોથી જીવલેણ હુમલો કરી ફરિયાદી તથા મંગાભાઇ માડણભાઇ તથા અન્ય સાહેદને ઇજા કરેલ.
જ્યારે સામા પક્ષે વિક્રમભાઇ જીવાભાઇ વાઘોચી આહિરે ભરવાડ સમાજના દોહા કાના ચાવડા તેમજ અન્ય ૨૭ વ્યક્તિઓ સામે વાડી ખેતરમાં ઢોર ચરાવવા બાબતે બોલાચાલી કરી ફરિયાદી તથા સાહેદને માર મારેલ બન્નેની ફરિયાદ રૂરલ પોલીસમાં કરતા વધુ તપાસ પોલીસે હાથ ધરી છે. તમામ ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં ખસેડાયા હતા.