સ્વયંભૂ બેડેશ્વર શિવલિંગના દર્શન કરી ધન્યતા અનુભવતા ભક્તજનો
જામનગર-ખંભાળિયા હાઇવે રોડ ઉપર ૧૮ કિમીના અંતરે સસોઇ નદીના તટ પર બેડ ગામ આવેલું છે. બેડ ગામની મધ્યમાં બેડેશ્વર દાદાનું પ્રાચીન ભવ્ય શિવ મંદિર છે.
જેમાં સયંભૂ બેડેશ્વર મહાદેવ બીરાજમાન છે. બેડેશ્વર દાદાના દર્શન કરવા ઠેર-ઠેરથી ભક્તો આવે છે અને ધન્યતા અનુભવે છે. શ્રધ્ધા અને ભાવપૂર્વક દાદાના દર્શનથી સર્વે મનોકામના પૂર્ણ થાય છે. શ્રાવણ માસમાં મંત્રોચ્ચાર સાથે જલાભિષેક, ઉતર પૂજન, દિપમાલા કરવામાં આવે છે. શ્રાવણ માસના દર સોમવાર તથા સાતમ-આઠમ, અમાસના મંદિરના પટાંગણમાં મેળો ભરાય છે. બેડેશ્વર દાદાનું શિવાલય અઢારમી સદીમાં બંધાયેલુ છે તેમ વયોવૃધ્ધ ભક્તો જણાવે છે.
આ શિવાલય અસલ ભુખરા પથ્થર પર ઝાલાવાડી સોમપુરા કારીગરોએ શાસ્ત્રોકત વિધિથી ૧૦૮ નાના-મોટા શિવાલયોનો સમુહાથી જોડી જમીનથી ૪૫ ફુટ ઉંચું ભવ્ય ઘુંમટ સાથે નિમાર્ણ કર્યું છે. જેમાં મોક્ષદ્વાર, બ્રહ્નદ્વાર, શિવદ્વાર મુકવામાં આવ્યા છે. આ અદ્દભૂત શિવાલયની વિશેષતા એ છે કે, શ્રાવણ સુદ પાંચમ (નાગ પંચમી)ના દિવસથી શ્રાવણ સુદ અગિયારસ સુધી વહેલી સવારથી દિવસ ચડે ત્યાં સુધી સૂર્યનારાયણના સિધા કિરણો નાગદાદા પર થઇ સીધા શિવલીંગ ઉપર પડે છે.