શહેરના નવા થોરાળા વિસ્તારમાં જુગાર રમતી વેળાએ ઝઘડો થયા બાદ દલિત શખ્સે યુવાન પર તલવારથી હુમલો કરતા યુવાનને લોહીલુહાણ હાલતમાં સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો. અન્ય બનાવમાં પતિ સાથે થયેલા મનદુ:ખનું સમાધાન કરવા ગયેલી મહિલાને અને તેની બહેનને સાસરિયાઓને લાકડી વડે માર માર્યાની ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.
નવા થોરાળા, ગોકુલ પરા-૬મા રહેતા ઇકેશ હરેશભાઇ સારેશા નામના દલિત યુવાનને તેજ વિસ્તારના જીતુ નામના શખ્સે તલવાર વડે હુમલો કરતા લોહીલુહાણ હાલતમાં સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો. ઘવાયેલો યુવાન તેના મિત્રો તેમજ આરોપી સાથે મંગળવારે સાંજે ઘર પાસે જુગાર રમવા બેઠા હતા. આ વેળાએ અગમ્ય કારણોસર જીતુ સાથે બોલાચાલી થતા ઉશ્કેરાયેલો જીતુ તેના ઘરેથી તલવાર લઇ આવી હુમલો કર્યાનું જણાવતા થોરાળા પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરવા ચક્રોગતિમાન કર્યા છે.
જ્યારે બહુમાળી ભવન પાછળ સરકારી ક્વાર્ટરમાં રહેતા મધુબહેન દુધાત્રા નામની મહિલાને પતિ કિશોર સાથે મનદુ:ખ ચાલતું હોય મધુબેન તેમની બહેન સવિતાબેન અને પુત્રી,ભાણેજ સાથે રૈયા રોડ, જ્ઞાનજીવન સોસાયટીમાં રહેતા સાસરિયાંઓને ત્યાં સમાધાન કરવા માટે ગયા હતા.
આ વેળાએ મામલો વધુ બિચકતા ઉશ્કેરાયેલા મધુભાઇ મગનભાઇ હીરપરા, તેમના પત્ની ઇન્દુબેન અને પુત્રી મીરા અને પુત્ર માનસે ગાળો ભાંડી લાકડી વડે માર મારી ઇજા કર્યાની ગાંધીગ્રામ પોલીસમા ફરિયાદ નોંધાવી છે.
એસ.ટી.બસ ચાલકને રિક્ષા ચાલકે માર માર્યો -
જુનાગઢ એસ.ટી. ડેપોમા ચાલક તરીકે ફરજ બજાવતા યોગેશભાઇ અમૃતલાલ ચુડાસમા નામના પ્રૌઢ મંગળવારે સાંજે એસ.ટી. બસ લઇ રાજકોટના ગ્રીનલેન્ડ ચોકડી પાસે આવેલા સીએનજી પંપે ગેસ પુરાવા જતા જીજે.૯એક્સ.૧૩૨ નંબરની ઓટો રિક્ષાના ચાલકે કારણ વગર ધોકા વડે મારમારી ઇજા કર્યાની ફરિયાદ નોંધાવી છે.