ભાવનગર સહિત રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી મોંઘવારીએ માઝા મુકી છે અને ખાંડ, ચા, કઠોળ, દાળ જેવી ચીજવસ્તુઓનાં ભાવો આસમાને આંબ્યા છે. ત્યારે આ વર્ષે સફરજનમાં ભાવઘટાડાથી શ્રાવણના ઉપવાસની સિઝનમાં મધ્યમ વર્ગને થોડી રાહત થઇ છે. ગત વર્ષે સફરજનના એક કિલોના ભાવ રૂ.૨૦૦ હતા તે આ વર્ષે ઘટીને R ૬૦ થઇ ગયા છે.
ભાવનગર જિલ્લા સહિત ગુજરાત રાજ્યમાં ફક્ત કેળા, ચીકુ, પપૈયો જેવા ફ્રુટનું જ ઉત્પાદન કરવામાં આવે છે. બાકી મોટાભાગનાં ફ્રુટ દિલ્હી, મુંબઈ, નાસીક અને કાશ્મીર બાજુથી આવતા હોવાથી આમ પણ તેના ભાવો ઉંચા હોય છે. ત્યારે હાલે એકબાજુ શ્રાવણ માસનાં મહામંગળકારી પર્વ ચાલી રહ્યું છે. આ મહિનામાં મોટાભાગનાં લોકો ઉપવાસ, એક્ટાણા કરી ભગવાન શિવની ભક્તિ કરે છે. ત્યારે અમુક લોકો ફક્ત ફ્રુટ ખાઈને જ આખો દિવસ પસાર કરે છે.
ગત વર્ષે ઓછા પાકને કારણે સફરજનના ભાવ આસમાનને આંબી જતા રૂ.૨૦૦ના ભાવે વેચાતા હતા તેમાં આ વર્ષે સફરજનના ભાવમાં ભારે ઘટાડો આવતાં ઉપવાસ, એક્ટાણા કરનારા ભક્તજનોને થોડી રાહત થઇ છે. એકબાજુ મોંઘવારીએ માઝા મુકી છે ત્યારે આ ભાવઘટાડાથી શ્રાવણમાં ઉપવાસ થોડા સરળ થયા છે.