ભાવનગર શહેરમાં એકજ વિસ્તારમાં પોણો લાખની વસ્તી ધરાવતુ આનંદનગરમાં છેલ્લા એક માસથી આવારા તત્વોએ આખા આનંદનગરને બાનમાં લઈને આતંક શરૂ કરતા, જેના વિરોધમાં આજે આખો વિસ્તાર જડબેસલાક બંધ રહ્યો હતો.
મોટર સાયકલ ઉપર ‘ધૂમ’ સ્ટાઈલથી આવીને તેમજ હાથમાં ખુલ્લી તલવાર-ધારીયા સાથે પ્રવેશ કરીને આનંદનગરમાં ત્રાસ ફેલાવાનું શરૂ કરતા, જે અંગે વેપાર-વર્ગને ભારે નુકસાન થતુ હતું. જેના વિરોધમાં બંધનું એલાન આપવામાં આવ્યું હતું.
આ વિસ્તારમાં કોર્પોરેટર ભરતભાઈ બુધેલીયાએ પોલીસ તંત્રને કડક પગલા ભરવા માટે જણાવ્યું હતું. આનંદનગરમાં બંધના પગલે બી ડીવીઝન પોલીસનો કાફલો દોડી આવતા જેમાં પોલીસે લોકોને ખાત્રી આપી હતી કે આવારા તત્વોને બહુ જલ્દીથી પકડી લવાશે.
આનંદનગરમાં કેટલાક તોફાની તત્વોના ત્રાસથી વેપારી દ્વારા બંધનું એલાન અપાતા આ અંગે બી ડીવીઝનના પી.આઈ. પી.ડી. પરમારે જણાવ્યું હતું કે તોફાની તત્વો રાજકીય અદાવત પતાવવા માટે આમને-સામને આવેલ છે. આ અંગે પોલીસ દ્વારા સઘન રીતે તોફાની ટોળકીને શોધવાના પ્રયાસો શરૂ કરી દેવામાં આવેલ છે.
ખેડુતવાસ અને આનંદનગરના અમુક શખ્સોને ચાર વર્ષથી અંગત અદાવતો ચાલી રહી છે તેના ભાગરૂપે બન્ને બાજુ એક-એક મજબૂત છાવણીઓ બની છે અને બન્ને છાવણીઓ દ્વારા દર સપ્તાહે નાના-નાના છમકલા કરવામાં આવી રહ્યા છે કોઈપણ શખ્સ જો નિર્દોષ વેપારીને રંજાડ કરતો હશે તો તેની સામે આકરા પગલા લઈને પોલીસ કાર્યવાહી કરશે તેમ પી.આઈ. પરમારે એક વાતચીતમાં જણાવ્યું હતું.
આનંદનગરની ઘટનામાં ત્રણેય નગરસેવકો તથા ભાજપ-કોંગ્રેસ પક્ષ સાથે રહીને બંધના એલાનને સફળ બનાવ્યું હતું તેમ આનંદનગર બચાવો સમિતિએ જણાવ્યું હતું.