અમરેલીના એસટી ડેપોમાં ગંદકીનું સામ્રાજ્ય ફેલાતા મુસાફરોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ડેપોના પાછળના ભાગમાં દિવાલ પર લોકો ખુલામાં શૌચક્રિયા કરતા હોય ચોતરફ દુર્ગધ ફેલાતા મુસાફરોને ત્યાંથી પસાર થવામાં પણ ભારે હાલાકીનો સામનો કરવો પડે છે.
આ ઉપરાંત પ્લેટફોર્મ તેમજ બસોની અંદર પણ જરૂરી સાફસફાઇ કરવામાં આવતી ન હોય મુસાફરોને મુશ્કેલી પડી રહી છે. અમરેલી એસટી ડેપોમાં પ્રવેશ દ્રારની દિવાલો પર અને પાછળના ભાગમાં ગંદકીના ગંજ ખડકાતા અહી આવતા હજારો મુસાફરોને ભારે મુશ્કેલી પડી રહી છે.
ડેપોના પાછળના ભાગમાં રેઢીયાળ ઢોર અડો જમાવીને બેસી જાય છે. ડેપોના કર્મચારીઓ દ્રારા આ ઢોરને ત્યાંથી હટાવવાની તસદી પણ લેવામાં આવતી નથી. ડેપોના દરેક પ્લેટફોર્મ પાસે પાન મસાલાની પીચકારીઓ અને પ્લાસ્ટિકની થેલીઓનો કચરો જોવા મળે છે. આ ઉપરાંત બસોને પણ માત્ર બહારથી જ સાફસફાઇ કરવામાં આવતી હોય અંદર ધુળ ભરેલી સીટો પર બેસવાની મુસાફરોને ફરજ પડે છે. એસટી ડેપોની પાછળના ભાગમાં રેઢીયાળ ઢોર બેસતા હોય અનેક વખત મુસાફરોને ઢીકે ચડાવે છે. એસટી ડેપોમાં શાૈચાલય હોવા છતા લોકો તેનો ઉપયોગ ઓછો કરી રહ્યાં છે. અને પાછળ આવેલી દિવાલમાં ખુલ્લામાં શાૈચક્રિયા કરતા હોય દુર્ગધ આખા ડેપોમાં ફેલાતા મુસાફરો બદબુથી પરેશાન થઇ ઉઠે છે.
દરેક પ્લેટફોર્મ પર દરરોજ સાફસફાઇ કરવામાં આવે તેવુ લોકો ઇચ્છી રહ્યાં છે. આ ઉપરાંત રેઢીયાળ ઢોરને હટાવવામાં આવે તેમજ બસોની અંદર પણ યોગ્ય સાફસફાઇ કરવામાં આવે તેમજ પાછળના ભાગમાં આવેલ દિવાલ પર ખુલ્લામાં શૌચક્રિયા કરતા લોકો સામે કડક હાથે કામ લેવામાં આવે તેવુ મુસાફરો ઇચ્છી રહ્યાં છે.
ગ્રામ્ય વિસ્તારોમાં ખખડધજ બસો દોડાવાય છે -
એસટી વિભાગ દ્રારા અમરેલીના આજુબાજુના ગામડાઓમાં ખખડધજ બસો દોડાવાય છે આથી વિદ્યાર્થીઓને ભારે અગવડતા પડી રહી છે. બસોની સીટો તેમજ કાચ પણ તુટેલા હોય મુસાફરોને ભારે હાલાકી ભોગવવી પડે છે. આ ઉપરાંત અવારનવાર બસોમાં ખામીઓ આવતી હોય વિદ્યાર્થીઓને શાળા કોલેજોમાં પહોંચવામાં પણ અગવડતા પડે છે. એસટી તંત્ર દ્રારા ગ્રામ્ય વિસ્તારોમાં નવી બસો દોડાવવામાં આવે તેવુ લોકો ઇચ્છી રહ્યાં છે.