અમરેલી પંથકની ધરતીને મેઘરાજાએ મંગળવારે તરબોળ કરી દીધી હતી. અડધાથી ચાર ઇંચ સુધીનો વરસાદ જિલ્લામાં વરસી જતાં નદી નાળાઓ પૂરપાટ વહ્યા હતા. મંગળવારે બાબરામાં ચાર ઇંચ, ખાંભામાં સવા ત્રણ, ધારીમાં ત્રણ, જાફરાબાદમાં બે, રાજુલામાં દોઢ ઇંચ વરસાદ થયો હતો. જ્યારે અમરેલીમાં એક ઇંચ પાણી પડ્યું હતું.
બાબરા પંથકમાં મંગળવારે બપોરે ત્રણેક વાગ્યે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. સતત ત્રણ કલાક સુધી આકાશમાંથી અમીધારા વરસતી રહી હતી. આજુ બાજુના વિસ્તારમાં પણ ભારે વરસાદ ખાબકતાં કાળુભાર નદીમાં ઘોડાપૂર આવતાં શહેરની વચ્ચે પુલ પરથી પાણી પસાર થતું હોય લોકોની અવર જવર અટકી ગઇ હતી. સાંજ સુધીમાં અહીં ચાર ઇંચ જેટલો વરસાદ પડી ગયો હતો.
અમરેલીમાં સવારથી ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો. ત્રણ કલાક સુધી હળવો વરસાદ વરસ્યો હતો. ઉપરાંત દિવસ દરમિયાન અવાર નવાર ઝાપટાં વરસતા સાંજ સુધીમાં એક ઇંચ પાણી પડી ગયું હતું. અમરેલીમાં મોસમનો કુલ વરસાદ ૨૪ ઇંચ જેટલો થયો છે.
ધારી પંથકમાં પણ મંગળવારે મેઘરાજાએ પાણી પાણી કરી દીધું હતું. સવારથી સાંજ સુધી ચાલેલી અવિરત મેઘ સવારીના પગલે ત્રણ ઇંચ પાણી ખાબકર્યું હતું. ગીર પંથકમાં પણ ભારે વરસાદ હોય શેત્રુંજી નદીમાં પાણીની ભરપૂર આવક થતાં ખોડિયાર ડેમના ત્રણ દરવાજા ત્રણ ફૂટ સુધી ખોલવાની તંત્રને ફરજ પડી હતી. અમરેલી જિલ્લામાં મોસમનો સૌથી વધુ વરસાદ ધારીમાં ૩૮ ઇંચ થયો છે.
ખાંભા તાલુકામાં પણ ધનાધન મેઘસવારી ચાલુ રહી છે. જિલ્લા કલેક્ટર કંટ્રોલરૂમના જણાવ્યા અનુસાર સાંજના છ વાગ્યા સુધીમાં ખાંભામાં ૮૦ મીમી વરસાદ નોંધાયો હતો. જાફરાબાદ પંથકમાં પણ સાંજ સુધીમાં ૫૦ મીમી એટલે કે બે ઇંચ વરસાદ થયો હતો. રાજુલામાં પણ દોઢ ઇંચ ઉપરાંત પાણી પડ્યું હતું.
કલેક્ટર કંટ્રોલરૂમના સૂત્રોએ જણાવ્યું હતું કે મંગળવારે સવારથી સાંજ સુધીમાં વડિયામાં ૧૬ મીમી, સાવરકુંડલામાં ૧૬ મીમી, લાઠીમાં ૧૨ મીમી તથા બગસરામાં ૧૦ મીમી વરસાદ નોંધાયો હતો.
રાંદલના દડવામાં યુવક નદીમાં તણાયો -
વડિયા તાલુકાના રાંદલના દડવા ગામે મંગળવારે બપોરે ભનુભાઇ જીવણભાઇ સોલંકી (ઉ.વ.૪૦) નામનો દેવીપૂજક યુવાન વાસાવડી નદીના પાણીમાં તણાઇ જતાં તેની શોધખોળ હાથ ધરાઇ છે. ભનુભાઇ વાડીએથી મકાઇનો પુળો લઇ પરત ઘરે આવતા હતા ત્યારે નદીનાં પ્રવાહમાંથી ચાલવા જતાં તણાઇ ગયા હતા અને રાત સુધી તેમનો પતો લાગ્યો ન હતો.