ભાવનગરમાં પોલીસની દોડધામ બાદ મોકડ્રીલ હોવાનું ખુલ્યું
ગુજરાત સહિત ભાવનગર જિલ્લાની દરિયાઈ પટ્ટી પર આંતકવાદીઓ દરિયાઈ માર્ગે ઘુસ્યા હોવાની બાતમી પોલીસને મળતા પોલીસે ચારેબાજુ દરિયાકાંઠે સઘન ઓપરેશનની આંતકવાદીની ત્રણ બોટ પકડી પાડી હતી અને એક બોટ ભાવનગર તરફ આવી હોવાની સૂચના મળતા પોલીસે સઘન ઓપરેશન હાથ ધર્યું હતું. જોકે બાદમાં આ આખુ ઓપરેશન મોકડ્રીલ હોવાનું જાણવા મળ્યું હતું.
ભાવનગર પોલીસ કંટ્રોલ તેમજ મરીન પોલીસમાંથી પ્રાપ્તવિગતો મુજબ ગુજરાતનાં દરિયામાર્ગેથી આંતકવાદીઓ ગુજરાતમાં ઘુસ્યા હોવાની બાતમી મળતા પોલીસે સતર્ક બની ચારેબાજુનો દરિયા કાંઠો ખુંદી વળી આંતકવાદીની ચારમાંથી ત્રણ બોટ પકડી પાડેલ અને એક બોટ ભાવનગર તરફ નાસી ગયાની જાણ થતાં ભાવનગર પોલીસ કંટ્રોલને જાણ કરાતા તુરંત જ મરીન પોલીસને એલર્ટ કરાઈ હતી.
પોલીસની એક બોટ તુરંત જ દરિયાકાંઠો ખુંદવા હથિયારધારી પોલીસ સાથે નીકળી ગયેલ. પરંતુ પોલીસની અન્ય બે સ્પીડબોટ બંધ હાલતમાં હોય માત્ર એકજ બોટ કામે લાગેલ.
શુક્રવારની મોડીરાતનાં બે વાગ્યાથી શરૂ કરવામાં આવેલ સાગર સુરક્ષા કવચ ઓપરેશન શનિવારે મોડીસવાર સુધી ચાલ્યું હતું અને બાદમાં જાણવા મળેલ કે આ મોકડ્રીલ હતું. જેથી પોલીસે પણ રાહતનો શ્વાસ લીધો હતો.